January 23, 2025

નો ડ્રગ્સ ઇન સિટી: સુરત પોલીસે MD ડ્રગ્સ સાથે 2ની કરી ધરપકડ

અમિત રૂપાપરા, સુરત: સુરત શહેર પોલીસ દ્વારા ‘નો ડ્રગ્સ ઇન સુરત સીટી’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં નશીલા પદાર્થ તેમજ MDનું વેચાણ કરતા અનેક ઇસમોને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે. ત્યારે સુરતની ખટોદરા પોલીસે 3.11 ગ્રામ એમડી ડ્રગ્સના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા છે. સુરતમાં ડ્રગ્સની સપ્લાય કરનાર MD મુંબઈના નાઈજેરીયન વ્યક્તિ પાસેથી લાવતો હતો હાલ પોલીસે આ બાબતે વધુ તપાસ શરૂ કરી છે.

નવરાત્રિના તહેવારને લઈને સુરત શહેર પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવી છે. રાત્રિ દરમિયાન અલગ અલગ ડ્રાઇવ યોજીને ચેકિંગની કામગીરી હાથ ધરી છે. તો બીજી તરફ ખાસ નશીલા પદાર્થોનું સેવન કરતાં તેમજ નસીલા પદાર્થોનું વેચાણ કરતા ઈસમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે 3 ઓક્ટોબર 2024ના રોજ સર્વેલન્સમાં રહેલા ખટોદરા પોલીસ સ્ટેશનના સ્ટાફને બાતમી મળી હતી કે એક ઈસમ ઉધના મગદલ્લા રોડ નવજીવન સર્કલ પાસે કાળા કલરની કારમાં MD ડ્રગ્સ સાથે ફરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે ઘટના સ્થળ પર પહોંચી કારમાં તપાસ કરતા કારની અંદરથી 3 પોઇન્ટ 11 ગ્રામ એમડી ડ્રગ્સનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ ઉપરાંત ગાડીમાંથી રોકડા 2,16,000 પણ મળ્યા હતા અને 500 રૂપિયાનો નાનો વજન કાંટો પણ મળ્યો હતો. ત્યારે પોલીસે કાર સહિત કુલ 15,17,600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને કારમાં બેસેલા વિશાલ શાહ નામના ઈસમની ધરપકડ કરી હતી.

વિશાલ શાહની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે તે તેની પાસેથી જે રોકડા રૂપિયા હતા તે જે ગેસ કંપનીમાં કામ કરતો હતો તેનું કલેક્શન હતું અને આ બાબતના પુરાવા તરીકે બેન્ક સ્ટેટમેન્ટ સહિતના મેસેજ પણ પોલીસને સામે આવ્યા છે અને ગાડીમાં વજન કાટો હોવા બાબતે વિશાલ શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પોતે જેની પાસેથી મુદ્દામાલ ખરીદતો હતો તેની પાસેથી ઘણી વખત MD ઓછું આપવામાં આવતું હતું અને MD ઓછું ન આવે એટલા માટે તે પોતાની પાસે આ વજન કાટો રાખતો હતો. પૂછપરછમાં એવું પણ સામે આવ્યું હતું કે વિશાલ શાહ રાણી તળાવ ખાટકી વાળે લાલ દરવાજા ખાતે રહેતા મોહમ્મદ ફારુક ઈબ્રાહીમ ફ્રુટ વાલા પાસેથી એમડી ડ્રગ્સનો મુદ્દા માલ ખરીદતો હતો. ત્યારે પોલીસે તાત્કાલિક અસરથી મોહમ્મદ ફારૂખ ઈબ્રાહીમ ફ્રુટવાલાની પણ ધરપકડ કરી હતી અને ઈબ્રાહીમ ફૂટવાલાની પૂછપરછમાં સામે આવ્યું છે કે તે MD ડ્રગ્સનો મુદ્દામાલ મુંબઈથી નાઈજેરીયન ઈસમ પાસેથી લાવતો હતો. હાલ આ બાબતે પોલીસે આરોપીઓના એક દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.