May 9, 2024

મોરબીમાં પરશોત્તમ રૂપાલાની જંગી સભા, જનસૈલાબ ઉમટ્યું

ડેનિસ દવે, મોરબીઃ શહેરમાં ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ આગવા અંદાજમાં સભા ગજવી હતી. જેમાં તેમણે કહ્યું કે, મોરબી દેશના અર્થતંત્રને તાકાત આપનારૂં મહત્વનું સેન્ટર છે. ઉદ્યોગોના પ્રશ્નો માટે અડધી રાતે દરવાજો ખખડાવવાની છૂટ છે.

મોરબીમાં રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા શનાળામાં શક્તિમાના દર્શન કરી ઉમિયા સર્કલથી લીલાપર કેનાલ રોડ ઉપર આવેલા ક્લાસિક પાર્ટી પ્લોટ સુધી યુવા ભાજપ આયોજિત રેલીમાં જોડાયા હતા. બાદમાં ક્લાસિક પાર્ટી પ્લોટમાં સિરામિક એસોસિએશનની આગેવાનીમાં ઉદ્યોગકારો દ્વારા યોજાયેલી સભામાં તેમણે હાજરી આપી હતી. આ સભામાં મોટી સંખ્યામાં ઉદ્યોગકારો અને કાર્યકર્તાઓ જોડાયા હતા.

આ સભામાં પરશોત્તમ રૂપાલાએ સંબોધનમાં જણાવ્યુ હતુ કે, ભારત ચાઇના સાથે હરીફાઈ કરી રહ્યું છે. તેમાં મોરબીના ઉદ્યોગો ચાઈનાને હંફાવી રહ્યા છે. ઉદ્યોગોના લીધે અનેક નાના માણસોના રસોડા ચાલે છે. એટલે ઉદ્યોગોના કોઈ પણ પ્રશ્ન હશે અમારા દરવાજા અડધી રાતે પણ ખખડાવજો. અગાઉ સરપંચને ખાલી સરકારી નોટિસો જ મળતી હતી. પણ હવે સરપંચને પૈસા પણ મળે છે. વડાપ્રધાન મોદીએ એવી વ્યવસ્થા ગોઠવી કે, સરપંચને કોઈની પાસે જવાની જરૂર નથી. કેન્દ્ર સરકારની તિજોરીમાંથી જ સીધા પૈસા મળે છે.

રૂપાલાએ કહ્યું કે, ઘણા વિદેશી મીડિયાએ કહ્યું હતું કે ભારત ગીચ વસ્તી ધરાવતો દેશ છે. ત્યાં કોરોનાથી નહીં મરે એટલા ભૂખથી મરી જશે, પણ વડાપ્રધાન મોદીએ 80 કરોડ લોકોની જઠરાગ્નિ ઠારવા માટે મફત અનાજ વિતરણ શરૂ કરાવ્યું હતું. ખેડૂતોને રૂ.6000ની સહાય શરૂ કરવામાં આવી ત્યારે ઘણા લોકો કહેતા હતા કે આટલા રૂપિયામાં શું થાય. આજે એ સહાયનો કુલ આંકડો રૂ.1.80 લાખ કરોડે પહોંચી ગયો છે. ભૂતકાળમાં 50 વર્ષ સુધી ખેડૂતોના દીકરાને 8 કિમી દૂર ખેતીની જમીન ન મળે તેવા કાયદા હતા. અત્યારે ગમે ત્યાં ઉદ્યોગ માટે જમીન ખરીદો અને તમામ સુવિધાઓ મેળવી શકાય છે.

રૂપાલાએ જનધન ખાતા વિશે જણાવ્યું કે, વિશ્વમાં ક્યાંય એવી સુવિધા નથી કે ઝીરો બેલેન્સમાં ખાતું ખૂલે. ભારતમાં આવા 50 કરોડ ખાતા ખોલવામાં આવ્યા છે. આપણું અર્થતંત્ર 11મા નંબરે હતું. હવે પાંચમા નંબરે પહોંચી ગયું છે. જે ઇંગ્લેન્ડે આપણા ઉપર રાજ કર્યું હતું તેને પણ આપણે પાછળ છોડી દીધું છે. હવે મોદીજી કહે છે કે, મારા ત્રીજા કાર્યકાળમાં ભારતને ત્રીજા નંબરે પહોંચાડી દઈશ. આખું વિશ્વ હવે માને છે કે મોદી જે કહે છે તે કરે છે, સિવાય કે 7-8 વ્યક્તિ માનતા નથી.

આ સભામાં સુરેન્દ્રનગર ઉમેદવાર ચંદુભાઈ શિહોરા, સાંસદ રામભાઈ મોકરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, સાંસદ કેશરીદેવસિંહ ઝાલા, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, જીતુભાઇ સોમાણી, જયંતિભાઈ પટેલ, જયંતીભાઈ કવાડિયા, મગનભાઈ વડાવીયા, કે.એસ. અમૃતિયા, પ્રકાશભાઈ વરમોરા, સીરામીક એસોસિએશનના પ્રમુખો મુકેશ કુંડારિયા, કિરીટ પટેલ, હરેશ બોપલીયા, વિનોદ ભાડજા, નિલેશ જેતપરિયા, જીઆઇડીસી એસોસિએશનના પ્રમુખ અમિત કસુન્દ્રા, પેપરમિલ એસોસિએશનના પ્રમુખ વિપુલ કોરડીયા, મીઠા ઉદ્યોગના જ્યૂભા જાડેજા, બિલ્ડર એસોસિએશનના સંતોષ સેરશિયા, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના નિલેશભાઈ કુંડારીયા સહિત ઉદ્યોગકારો તેમજ વિવિધ જ્ઞાતિના પ્રમુખો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.