May 4, 2024

પાટણમાં વિદ્યાર્થીનીની છેડતી કરનાર લંપટ શિક્ષકની ધરપકડ

ભાવેશ ભોજક, પાટણ: પાટણ શહેરની એક શાળાના ધોરણ 12ના વ્યાયામ શિક્ષકે શાળાની વિદ્યાર્થીની અને પોતાની પુત્રીની બહેનપણીને પરીક્ષાના પેપર ચેક કરાવવાના બહાને ઘરે લઈ જઈ શરીરના અંગો સાથે અડપલા કરી બળજબરી કરતાં ડગાઈ ગયેલી વિદ્યાર્થીની ઘરમાંથી ભાગી રોડ ઉપર દોડી આવી હતી અને માતા પિતા સહિત અન્ય લોકોને જાણ કરતા ટોળું એકત્ર થયું હતું. રંગીન મિજાજના આ લંપટ શિક્ષકને ઘરેથી બોલાવી રોડ ઉપર બરોબરનો મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યો હતો. સગીર વિદ્યાર્થીનીની ફરિયાદને આધારે પોલીસે આઈપીસી કલમ 354 અને પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી શિક્ષકની ધરપકડ કરી છે.

પાટણ ખાતે સિદ્ધરાજ નગર સોસાયટીમાં રહેતા અને પાટણની એક શાળામાં ધોરણ 12માં વ્યાયામ શિક્ષક તરીકે ફરજ બજાવતા રણજીત નારાયણભાઈ ચૌધરીએ ગઈકાલે ધોરણ 12ની પરીક્ષા આપનાર સગીર વયની વિદ્યાર્થીની અને પોતાની પુત્રી સાથે જીમખાના મેદાનમા સાથે બેડમિન્ટનની રમત રમવા જતી બહેનપણી એવી આ વિદ્યાર્થીનીને ધોરણ 11ની પરીક્ષા ના પ્રશ્નપત્રો ચેક કરવા આપવાના બહાને શહેરના આનંદ સરોવર પાસે બોલાવી હતી. ત્યારબાદ પ્રશ્નપત્રો ઘરે પડ્યા છે તેમ કહી એક્ટિવા ઉપર બેસાડી ઘરે લઈ ગયો હતો. આ સમયે ઘરે કોઈ હાજર ન હોવાથી પાસે બેસાડી એકલતાનો લાભ લઇ સગીર વયની વિદ્યાર્થીનીના અંગો સાથે અડપલા કર્યા હતા તેમજ જબરજસ્તી કરતા વિદ્યાર્થીની શિક્ષક પાસેથી છટકી રોડ ઉપર દોડી આવી હતી અને માતા-પિતાને મોબાઈલથી તેમજ પાણીપુરીની લારી ઉપર મળી ગયેલ અન્ય બહેનપણીને પોતાની સાથે ઘટેલી હકીકત જણાવી હતી. આ સમયે અન્ય લોકો પણ એકઠા થઈ ગયા હતા અને માતા-પિતા પણ દોડી આવ્યા હતા. જેઓએ શિક્ષકને રોડ ઉપર બોલાવી બરોબરનો મેથીપાક ચખાડી માર માર્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો.

બેટી બચાવો બેટી પઢાવોના સૂત્ર વચ્ચે સંસ્કાર અને શિક્ષણનું સિંચન કરી ભાવિ પેઢીનું ઘડતર કરનાર શિક્ષક દ્વારા પોતાની જ વિદ્યાર્થીની ઉપર નજર બગાડવાના આ ધૃણાસપદ કૃત્યને લઈ લોકોમાં ફિટકારની લાગણી જન્મી છે. ત્યારે આવું જધન્ય કૃત્ય કરનાર લંપટ શિક્ષક સામે સમાજમાં દાખલો બેસે તે પ્રમાણે કડકમાં કડક સજા થાય તેવી માંગ સગીરાની માતાએ કરી છે.

આ મામલે ડીવાયએસપીએ જણાવ્યું હતું કે, ભોગ બનનાર વિદ્યાર્થીનીને પ્રશ્નપત્ર તપાસવાના બહાને શિક્ષક ઘરે લઈ ગયો હતો અને વિદ્યાર્થીનીની એકલતા નો લાભ લઈ તેની જાતીય સતામણીની ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાતા પોલીસે શિક્ષકની ધરપકડ કરી છે. આ કેસની વધુ તપાસ બી ડિવિઝન પીઆઈ આર કે સોલંકી કરી રહ્યા છે. શૈક્ષણિક અને સંસ્કારી નગરી પાટણમાં લંપટ શિક્ષકના લાંછનરૂપ આ કરતુતોને લઈ વાલીઓમાં ભારે રોશની લાગણી ફેલાઈ છે. ફરી કોઈ આવો બનાવ ન બને તે માટે શિક્ષક સામે કડક કાર્યવાહી કરવામાં આવી તેવી માંગ ઉઠી છે.