May 4, 2024

રાજ્યમાં લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ

મલ્હાર વોરા, ગાંધીનગર: ગુજરાત ગુજરાત રાજ્યમાં આગામી 7 મેના રોજ લોકસભાની 25 બેઠકો અને વિધાનસભાની પાંચ બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજાવનારી છે ત્યારે હવે ચૂંટણીને લઈને ગુજરાત રાજ્યમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે. લોકસભાની ચૂંટણી માટે 266 ઉમેદવાર જ્યારે વિધાનસભાની પેટા ચૂંટણી માટે 24 ઉમેદવારો વચ્ચે સત્તા હાંસલ કરવાનો જંગ ખેલાશે.

લોકસભાની સામાન્ય ચૂંટણી માટે 25 બેઠકો તથા વિધાનસભાની 05 બેઠકો માટેની પેટાચૂંટણીઓ માટે ગત 12 એપ્રિલથી 19 એપ્રિલ સુધીમાં લોકસભાની ચૂંટણી માટે 433 ઉમેદવારો તથા વિધાનસભાની પાંચ પેટ ચૂંટણી માટે 37 ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા, પરંતુ 20 અને 21 એપ્રિલના રોજ તમામ ચૂંટણી અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલી ઉમેદવારી પત્રોની ચકાસણીના અંતે લોકસભાની ચૂંટણી માટે કુલ 328 ઉમેદવારો તથા વિધાનસભાની પેટાચૂંટણી માટે 27 ઉમેદવારો માન્ય રાખ્યા છે.

લોકસભા અને વિધાનસભા પેટા ચૂંટણી માટે આજે સ્ક્રુટીની બાદ આજરોજ મુજબ લોકસભાની સામાન્ય ચૂંટણી માટે કુલ 266 ઉમેદવારો તથા વિધાનસભાની પેટા ચૂંટણી માટે 24 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. જેમાં પૂર્વ લોકસભા બેઠક પર સૌથી વધુ 18 ઉમેદવારો તથા બારડોલી લોકસભા બેઠક પર સૌથી ઓછા 3 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. જ્યારે વિધાનસભા બેઠક પર સૌથી વધુ 8 ઉમેદવારો તથા વાઘોડિયા વિધાનસભા બેઠક પર સૌથી ઓછા 2 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. બીજી બાજુ મહત્વની બાબત એ છે કે, સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ઉમેદવારી પત્ર રદ્દ થવાથી તથા અન્ય પક્ષના અને અપક્ષ ઉમેદવારો મળી 8 જેટલા ઉમેદવારી પત્રો પાછા ખેંચી લેવાતાં આ બેઠક પરના ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા છે.