December 22, 2024

સી.આર.પાટીલની કાર્યકર્તાઓને સલાહ,‘ઘરે બેસી ન રહો, કામ કરો’

જૂનાગઢ: આગામી લોકસભાની ચૂંટણીને લઇને ભાજપ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ આજે જૂનાગઢની મુલાકાતે છે. અહીં તેઓ વંથલી માર્કેટીંગ યાર્ડ ખાતે ભાજપના કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. જોકે, પોરબંદર લોકસભાની બેઠકમાં જૂનાગઢ વિધાનસભાની માણાવદર અને કેશોદ બેઠક નો સમાવેશ થાય છે. ત્યારે કેશોદ અને માણાવદર તાલુકાના કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું હતું. જેમા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીને ભાજપનો ખેસ પહેરાવી ભાજપમાં વિધિવત પ્રવેશ કરાવ્યો છે.

લોકસભાની ચૂંટણીને લઈને વંથલીમાં ભાજપનું કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. અહીં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીને ભાજપનો ખેસ પહેરાવ્યો હતો. અરવિંદ લાડાણી સાથે તેમના એક હજારથી વધુ સમર્થકો પણ ભાજપમાં જોડાયા હતા. આ સિવાય આમ આદમી પાર્ટીના પૂર્વ જૂનાગઢ વિધાનસભાના પ્રમુખ અને પૂર્વ પ્રદેશ મંત્રી ચેતન ગજેરા પોતાના ત્રણસોથી વધુ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે.

આ સંમેલનમાં સી.આર.પાટીલે સંબોધન કરતા કાર્યકર્તાઓને સલાહ આપી છે. તેમણે કહ્યું છે કે, કાર્યકર્તાઓ ઘરે બેસી ન રહે કામ કરે, જો કોઈ ઘરે બેસી રહેતું હોય તો મને ફોન કરજો. સાથે જ કહ્યું હતું કે, અરવિંદ લાડાણીને પણ જવાબદારી સોંપવાની છે. વધુમાં આ કાર્યક્રમમાં માણાવદરના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાની સૂચક ગેરહાજરી જોવા મળી હતી. તો અરવિંદ લાડાણી ભાજપમાં જોડાઈ રહ્યા હોય તેવા સમયે જ જવાહર ચાવડાની ગેરહાજરીથી પણ અનેક તર્કવિતર્કો થઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, એક સમયે બંને નેતા કોંગ્રેસમાં હતા, જવાહર ચાવડાની જીતમાં અરવિંદ લાડાણીની મહત્વની ભૂમિકા રહેતી હતી. જોકે, આ કાર્યક્રમમાં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા, પોરબંદરના પૂર્વ સાંસદ હરિભાઈ ગોધાણી, ધારાસભ્ય સંજય કોરડીયા સહીતના તમામ ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો ઉપસ્થિત હતા.