May 3, 2024

આજે 17મી લોકસભાનું સમાપન, રામ મંદિર અંગે થશે ચર્ચા

ફાઇલ તસવીર

નવી દિલ્હીઃ સંસદના બજેટ સત્રનો આજે છેલ્લો દિવસ છે. ઐતિહાસિક રામ મંદિર નિર્માણ અને 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા અંગે ચર્ચા કરીને 17મી લોકસભાની કાર્યવાહી સમાપ્ત થશે. આ મુદ્દે રાજ્યસભામાં પણ ચર્ચા થશે. ભાજપે શુક્રવારે ત્રણ લાઇનની વ્હિપ જાહેર કરી છે, જેમાં સાંસદોને શનિવારે બંને સદનમાં હાજર રહેવા માટેનો નિર્દેશ આપ્યો છે. સૂત્રોએ જણાવ્યુ છે કે, સંસદમાં અયોધ્યામાં બનેલા રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધન્યવાદ આપતો પ્રસ્તાવ પસાર કરશે.

સૂત્રએ કહ્યુ છે કે, ‘સંકલ્પ સિવાય વિકસિત ભારત માટે અમૃત કાળમાં આ સરકારની પ્રતિજ્ઞા અને રામ રાજ્યની જેમ સુશાસન સ્થાપિત કરવા માટે સંકલ્પ પણ પર ચર્ચા થશે. આપણે કેવો દેશ બનાવવા માગીએ છીએ અને અમારી પાસે કેવું નેતૃત્વ હોવું જોઈએ તે અંગે પણ ચર્ચા થશે.’ વધુમાં તેમણે જણાવ્યુ છે કે, સત્ર પૂરું થતા પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં ભાષણ આપી શકે છે.

શનિવારની લોકસભાની કામગીરી પ્રમાણે, પૂર્વ કેન્દ્રીય મંત્રી સત્યપાલ સિંહ, બાગપતથી ભાજપ સાંસદ અને કલ્યાણથી શિવસેના સાંસદ શ્રીકાંત એકનાથ શિંદે નિયમ 193 અંતર્ગત ચર્ચા કરશે.

આ અઠવાડિયાની શરૂઆતમાં દેશનું નામ બદલીને ભારત કરવાની માગ કરતા સત્યપાલ સિંહે લોકસભામાં કહ્યુ હતુ કે, મોદી ‘રામ રાજ્યની સ્થાપના’ કરવાની દિશામાં કામ કરી રહ્યા છે. તેમણે કહ્યુ હતુ કે, ‘જ્યાં સુધી રામ રાજ્યની સ્થાપના નથી થઈ જતી, અમે ચેનથી નહીં બેસીએ. આઝાદીની લડાઈ દરમિયાન મહાત્મા ગાંધીએ રામ રાજ્ય સ્થાપિત કરવાની વાત કરીહ તી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મહાત્મા ગાંધી, મહર્ષિ દયાનંદ અને દિનદયાળ ઉપાધ્યાયના આદર્શોનું પાલન કરી રહ્યા છે અને દેશમાં રામ રાજ્ય સ્થાપિત કરવાની દિશામાં કામ કરી રહ્યા છે.’

25 જાન્યુઆરીએ કેન્દ્રીય મંત્રીમંડળે અયોધ્યા રામ મંદિર સમારોહ પછી પહેલીવાર બેઠક કરી હતી, જેમાં મોદીને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે અભિનંદન આપતો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. રક્ષા મંત્રી રાજનાથ સિંહે પ્રસ્તાવ મૂક્યો હતો. આ કેબિનેટ બેઠકને ઐતિહાસિક ગણાવી હતી.