May 8, 2024

કચ્છ-દ્વારકા અને બનાસકાંઠામાં કમોસમી વરસાદ, અંજારમાં પાણી ભરાયા

કચ્છઃ જિલ્લામાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો છે. જિલ્લાના અનેક તાલુકામાં વરસાદી માહોલ છવાઈ ગયો છે. ગાંધીધામ, અંજાર, ભુજ તાલુકામાં વરસાદ ખાબક્યો છે. આગાહીની વચ્ચે સતત બીજા દિવસે કમોસમી વરસાદ ચાલુ થયો છે. ઉલ્લેખનીય છે કે, આવતીકાલ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.

કચ્છના અંજારમાં પણ વાવાઝોડા સાથે ભારે વરસાદ ચાલુ થયો છે. શહેરમાં અનેક જગ્યાએ ધોધમાર વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે. કમોસમી વરસાદ સહિત વાવાઝોડાને કારણે ખેડૂતોનો પાક નાશ પામ્યો છે. પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે.

તો બીજી તરફ, દ્વારકાના ખંભાળિયામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ખંભાળિયાના મોટી ખોખરી, ભાણ ખોખરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે. હવામાન ખાતાની આગાહી મુજબ કમોસમી વરસાદ ખાબક્યો છે. અસહ્ય ગરમી વચ્ચે વરસાદ વરસતા આંશિક ઠંડક પ્રસરી ગઈ છે.

ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પણ ફેરફાર જોવા મળ્યો છે. બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં બપોર બાદ વાતાવરણ પલટાયું છે. અંબાજીમાં ધીમી ધારે વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી. ત્યારે અંબાજી સહિતના ગામડાંઓમાં વરસાદી ઝાપટું ચાલુ થયું હતું. વરસાદને પગલે સમગ્ર પંથકમાં ઠંડક છવાઈ ગઈ છે.