December 23, 2024

‘ક્રાઇમ સીન સાથે નથી થઈ છેડછાડ’, આરજી કર મેડિકલ કોલેજમાં હિંસા પર કોલકાતા પોલીસની ચોખવટ

Kolkata Doctor Rape Murder Case: કોલકાતા પોલીસે ગુરુવારે જણાવ્યું હતું કે આરજી કર મેડિકલ કોલેજમાં થયેલી હિંસા અને તોડફોડમાં ક્રાઇમ સીન સાથે છેડછાડ નથી કરવામાં આવી. કોલકાતા પોલીસે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે ‘સેમિનાર રૂમમાં ક્રાઇમ સીનને હાથ પણ નથી લગાડવામાં આવ્યો. ભ્રામક સમાચાર ન ફેલાવો. અમે અફવા ફેલાવનારા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરીશું.

મેડિકલ સ્ટુડન્ટે વર્ણવી વાસ્તવિકતા
બુધવારે રાત્રે કેટલાંક અસામાજિક તત્વો દ્વારા આરજી કર મેડિકલ કોલેજમાં તોડફોડ અને હિંસા કરવામાં આવી. જેને લઈને એક મેડિકલ સ્ટુડન્ટે કહ્યું, ‘કાલે અમે લોકો શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. અમે મહિલા નર્સો, ડોકટરો અને વિદ્યાર્થીઓની રેલીનું આયોજન કર્યું હતું. અમે રેલી શરૂ કરવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે એક ટોળું આવ્યું. અમે તેમને તેમની રેલી ચાલુ રાખવા માટે અપીલ કરી અને તેમને અમારા વિરોધ પ્રદર્શનમાં દખલ ન કરવા કહ્યું કારણ કે અમારા વિરોધમાં મહિલાઓ પણ સામેલ હતી. ત્યારબાદ, ભીડે અમારા પ્રદર્શનમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો. મેડિકલ સ્ટુડન્ટે જણાવ્યું કે જ્યારે ટોળું આવ્યું ત્યારે અમે સલામત સ્થળે જવાનો પ્રયાસ કર્યો, પરંતુ ટોળાએ તોડફોડ શરૂ કરી દીધી. તેઓ આટલેથી ન અટક્યા. ટોળાએ અમારા પ્રદર્શનને નિશાન બનાવ્યું.

પોલીસની ખોટી છબી ઊભી કરવામાં આવી રહી છે: પોલીસ કમિશનર
મેડિકલ હોસ્પિટલમાં હિંસાને લઈને પોલીસ કમિશનરે કહ્યું, ‘માત્ર અફવાઓના આધારે કોઈની ધરપકડ ન કરી શકાય. હવે આ કેસ CBIને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે અને CBIએ તેની તપાસ શરૂ કરી રહી છે. અમે આ અંગે સંપૂર્ણ પારદર્શક બનવા માંગીએ છીએ. અમે ઈચ્છતા હતા કે વિદ્યાર્થીઓ એક કમિટી બનાવે અને તે કમિટી પોતાના મંતવ્યો રજૂ કરે, પરંતુ આજ સુધી વિદ્યાર્થીઓએ કમિટી નથી બનાવી. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે એક મીડિયા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેમાં કોલકાતા પોલીસની ખોટી છબી ઊભી કરવામાં આવી રહી છે. અમે હંમેશા કોલકાતાના લોકોની સાથે છીએ. અમે કોઈને બચાવવાનો પ્રયાસ નથી કરી રહ્યા.