May 17, 2024

‘કર્પૂરી ઠાકુરના પ્રયાસોએ કરોડો લોકોનું જીવન બદલી નાખ્યું’ – PM મોદી 

PM - NEWSCAPITAL

બિહારના બે વખતના મુખ્યમંત્રી અને જનનાયક કર્પૂરી ઠાકુરને મરણોત્તર દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન આપવામાં આવશે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા મંગળવારે તેમના જન્મ શતાબ્દીની પૂર્વસંધ્યાએ આ જાહેરાત કરવામાં આવી હતી. પીએમ મોદીએ આ અવસર પર એક બ્લોગ લખ્યો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે કેવી રીતે તેમની સરકાર જનનાયક કર્પૂરી ઠાકુર પાસેથી પ્રેરણા લઈને કામ કરી રહી છે.

પીએમ મોદીએ લખ્યું, આપણા જીવન પર ઘણા લોકોનો પ્રભાવ છે. આપણે જેમના સંપર્કમાં આવીએ છીએ તેવા લોકોના શબ્દોની અસર સ્વાભાવિક રીતે જ આપણા પર પડે છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેમને સાંભળીને તમે પ્રભાવિત થાઓ છો. જનનાયક કર્પૂરી ઠાકુર મારા માટે આવા વ્યક્તિ છે. હું કર્પૂરીજીને ક્યારેય મળ્યો ન હોવા છતાં, મેં તેમની સાથે ખૂબ નજીકથી કામ કરતા કૈલાશપતિ મિશ્રાજી પાસેથી તેમના વિશે ઘણું સાંભળ્યું છે.

સામાજિક ન્યાયના પ્રયાસોને કારણે કરોડો લોકોનું જીવન બદલાઈ ગયું

પીએમ મોદીએ બ્લોગમાં આગળ લખ્યું, સામાજિક ન્યાય માટે કર્પૂરીજી દ્વારા કરવામાં આવેલા પ્રયાસોથી કરોડો લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું. તેઓ વાળંદ સમુદાયના હતા એટલે કે સમાજના સૌથી પછાત વર્ગના હતા. તેમણે અનેક પડકારોને પાર કરીને ઘણી સિદ્ધિઓ હાંસલ કરી. તેમની સાથે જોડાયેલી આવી ઘણી વાર્તાઓ છે, જે તેમની સાદગીના ઉદાહરણ છે. તેમની સાથે કામ કરનારાઓએ જણાવ્યું કે કેવી રીતે તેઓ આગ્રહ રાખતા હતા કે તેમના કોઈપણ અંગત કામ પર સરકારે એક પૈસો પણ ખર્ચવો જોઈએ નહીં.

પીએમએ કર્પૂરી ઠાકુરને લગતો કિસ્સો સંભળાવ્યો

પીએમ મોદીએ લખ્યું કે, કર્પૂરીજી સાથે જોડાયેલી ઘટના વર્ષ 1977ની છે, જ્યારે તેઓ બિહારના સીએમ બન્યા હતા. તે સમયે કેન્દ્ર અને બિહારમાં જનતા પાર્ટીની સરકાર હતી. પક્ષના નેતા લોકનાયક જયપ્રકાશ નારાયણ એટલે કે જેપીના જન્મદિવસ માટે પટનામાં ઘણા નેતાઓ એકઠા થયા હતા. આમાં કર્પૂરી ઠાકુરે પણ ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે જે કુર્તો પહેર્યો હતો તે ફાટી ગયો હતો. પછી તેમના કુર્તા માટે પૈસા દાનમાં આપવામાં આવ્યા, જે તેમણે લીધા પરંતુ મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન કરી દીધા.

આ પણ વાંચો : Republic Day : કર્તવ્ય પથ પરથી રાફેલ ઉડાન ભરશે, ત્રણેય સેનાની મહિલા ટુકડીઓ સામેલ થશે 

સમાજના પછાત લોકો માટે એકશન પ્લાન બનાવ્યો

બ્લોગમાં વડાપ્રધાને લખ્યું છે કે, કર્પુરીજીએ સમાજના પછાત અને વંચિત વર્ગના સશક્તિકરણ માટે એક નક્કર કાર્ય યોજના બનાવી હતી. આ માટે તેમણે સંપૂર્ણ વ્યવસ્થા તૈયાર કરી હતી. આ તેમનું સૌથી મહત્વપૂર્ણ યોગદાન છે. તેમના નેતૃત્વ હેઠળ, આવી નીતિઓ અમલમાં આવી, જેણે સર્વસમાવેશક સમાજનો પાયો નાખ્યો. સમાજના સૌથી પછાત વર્ગના હોવા છતાં તેમણે દરેક માટે કામ કર્યું. તેમના વિઝનથી પ્રેરિત થઈને અમે તેને અસરકારક ગવર્નન્સ મોડલ તરીકે અમલમાં મૂક્યું છે.

પીએમએ કર્પૂરી ઠાકુરના યોગદાનને યાદ કર્યું

વડાપ્રધાને લખ્યું કે, પછાત વર્ગના વ્યક્તિ તરીકે મને જનનાયક કર્પૂરી ઠાકુરજીના જીવનમાંથી ઘણું શીખવા મળ્યું છે. મારા જેવા ઘણા લોકોના જીવનમાં કર્પુરી બાબુનું પ્રત્યક્ષ અને પરોક્ષ યોગદાન રહ્યું છે. આ માટે હું હંમેશા તેમનો આભારી રહીશ.