Jharkhand Floor Test : ચંપાઈ સોરેન સરકારનું ભાવિ આજે નક્કી થશે
રાંચી : ઝારખંડ રાજ્યમાં નવી રચાયેલી ચંપાઈ સોરેન સરકારનું ભાવિ સોમવારે નક્કી કરવામાં આવશે. હેમંત સોરેનના રાજીનામા બાદ નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેનારા અગ્રણી આદિવાસી નેતા ચંપાઈ સોરેન સોમવારે ઝારખંડ વિધાનસભામાં વિશ્વાસ મત માંગશે. હૈદરાબાદથી સત્તાધારી પાર્ટી ઝારખંડ મુક્તિ મોરચા(JMM), કોંગ્રેસ અને આરજેડીના ધારાસભ્યો રાંચી પરત ફર્યા છે. આ તમામ 40 ધારાસભ્યો એક ગેસ્ટ હાઉસમાં રોકાયા છે.
આજે શક્તિ પરીક્ષણ
ઝારખંડ મુક્તિ મોરચા (JMM) અને અન્ય સહયોગી પાર્ટીઓ કોંગ્રેસ અને આરજેડીના 40 ધારાસભ્યો તાજેતરમાં ચંપાઈ સોરેને મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ હૈદરાબાદ ગયા હતા. જેએમએમ ગઠબંધન સોમવારે વિશ્વાસ મત જીતવાનો છે જેના કારણે રવિવારે પાર્ટીના તમામ ધારાસભ્યોને રાંચી પરત લાવવામાં આવ્યા હતા. હાલ ધારાસભ્યો ગેસ્ટ હાઉસમાં રહે છે. સોમવારે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ દરમિયાન દરેક હાજર રહેશે.
जोहार !
आज झारखंड के मुख्यमंत्री के तौर पर शपथ ग्रहण किया। दिशोम गुरु आदरणीय शिबू सोरेन जी के मार्गदर्शन में हमारी सरकार राज्य की आम जनता के हित में काम करती रहेगी।
हमारे गठबंधन की सरकार ने माननीय हेमन्त सोरेन जी के नेतृत्व में जो बुनियादी शुरुआत किया है, यहां के आदिवासियों,… pic.twitter.com/f7EpdjKbni
— Champai Soren (@ChampaiSoren) February 2, 2024
હેમંત સોરેનના રાજીનામા બાદ ચંપાઈ સોરેને શપથ લીધા
ED હેમંત સોરેનની ધરપકડ કરે તે પહેલા તેમણે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. નોંધનીય છે કે હેમંત સોરેનના રાજીનામા બાદ જેએમએમ ગઠબંધન ધારાસભ્યોએ વરિષ્ઠ નેતા અને શિબુ સોરેનના નજીકના મિત્ર ચંપાઈ સોરેનને તેના નેતા તરીકે પસંદ કર્યા હતા. વિધાયક દળના નેતા તરીકે ચૂંટાયા પછી ત્રીજા દિવસે રાજ્યપાલે તેમને મુખ્યમંત્રી તરીકેના શપથ લેવડાવ્યા હતા. તેમની સાથે સાથે અન્ય બે મંત્રીઓએ પણ શપથ લીધા હતા જેમાં એક કોંગ્રેસ અને એક આરજેડીના નેતાએ શપથ લીધા હતાં. બીજી બાજુ રાજ્યપાલે દસ દિવસમાં વિશ્વાસ મત મેળવવાનો આદેશ આપ્યો હતો.
ઝારખંડમાં 81 ધારાસભ્યો
ઝારખંડ વિધાનસભામાં કુલ 81 ધારાસભ્યો છે. એક ધારાસભ્યની બેઠક ખાલી હોવાથી બહુમત માટે 41 ધારાસભ્યોનું સમર્થન જરૂરી છે. જો કે, JMM ગઠબંધનને 46 ધારાસભ્યોનું સમર્થન છે. જેએમએમ, કોંગ્રેસ, રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (એમએલ) પાસે કુલ 46 ધારાસભ્યો છે. તેમાં જેએમએમના 28 ધારાસભ્યો, કોંગ્રેસના 16 ધારાસભ્યો, આરજેડીના 1 ધારાસભ્ય અને સીપીઆઈ (એમએલ)ના એક ધારાસભ્ય છે. બીજી બાજુ રાજ્યમાં મુખ્ય વિપક્ષની ભૂમિકામાં ભાજપને 29 ધારાસભ્યોનું સમર્થન છે.