May 1, 2024

ઝાલોદ કાઉન્સિલર હત્યા કેસ: ગુજરાત ATSએ વધુ એક વોન્ટેડ આરોપીને દબોચ્યો

મિહિર સોની, અમદાવાદ: ગુજરાત ATSએ ઝાલોદના કાઉન્સિલર હિરેન પટેલની હત્યા કેસમાં ઇન્દોરથી એક આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલ આરોપી મોહમ્મદ ઈરફાન ઉર્ફે ઈરફાન બિસ્તી છેલ્લા 4 વર્ષથી વોન્ટેડ હતો. અગાઉ મુખ્ય સૂત્રધાર સહિત 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ નવાઈની વાત તો એ છે કે હત્યામાં વપરાયેલ વાહન હજી પણ રહસ્મય રીતે લાપતા છે. આરોપી પત્ની સાથે મળીને બ્યુટી પાલર અને હેર સલૂનનો ધંધો શરૂ કર્યો હતો.

આરોપીએ પોતાનું નામ બદલીને ઈરફાન અબ્બાસી રાખ્યું હતું. ગુજરાત ATSને બાતમી મળતા ઇન્દોરથી ધરપકડ કરી લીધી છે. પૂછપરછમાં સામે આવ્યું કે આરોપીને હિરેન પટેલની ટીપ આપવા માટે મુખ્ય આરોપી ઈરફાન પાંડાએ રૂપિયા 25 હજાર આપવાના નક્કી કર્યા હતા જેના આધારે હિરેન પટેલ જે રોડ પરથી પસાર થાય તેની માહિતી પકડાયેલ આરોપી ઈરફાનએ પહોંચાડી હતી બાદમાં હિરેન પટેલની પિકઅપ ડાલું દ્વારા હત્યા કરીને અકસ્માત ખપાવી દેવામાં આવ્યું હતું.

અદાવત રાખીને હિરેનની હત્યાનુ ષડયંત્ર રચ્યુ
ગુજરાત ATSના ડીવાયએસપીએ જણાવ્યું કે, આ હત્યા કેસમા મુખ્ય સૂત્રધાર પૂર્વ સાસંદ બાબુ કટારાનાં પુત્ર અમિત કટારાની ષડયંત્ર હોવાનું ખુલ્યું હતું. જેમાં અગાઉ ગુજરાત ATSએ હત્યા કેસમા ઈરફાન પાંડા અને અમિત કટારા સહિત 8 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ હત્યા કેસની વાત કરીએ તો ઓગષ્ટ 2020માં મૃતક કાઉન્સીલર હિરેન પટેલ કોગ્રેસના કોર્પોરેટર અને અપક્ષના બીજેપીમા સામેલ કરીને ઝાલોદ નગરપાલીકામાં કોગ્રેસની બોડી બદલીને ભારતીય જનતા પાર્ટીની કરી હતી. જેથી અમીત કટારાની પત્નીને કોગ્રેસના પ્રમુખ પદથી હટી જવુ પડયું હતુ, જેની અદાવત રાખીને અમીત કટારાએ અજય કલાલ અને ઈમરાન ઉર્ફે ઈમુ પાંડા સાથે મળીને હિરેનની હત્યાનુ ષડયંત્ર રચ્યુ હતુ. જેલમાંથી ગોધરકાંડનો આરોપી ઈરફાન પાડા ફર્લો પર છુટીને આવ્યો હતો. તેને હત્યા માટે 20 લાખની સોપારી આપી હતી, જયારે 2 લાખ એડવાન્સ આપ્યા હતા અને 18 લાખ હત્યા પછી ચુકવવાના હતા. ઈમરાન અને અજયે સતત હિરેનની રેકી કરતા રહયા અને હિરેન પટેલનું ઘર પણ ઇમરાનએ બતાવ્યું હતું. પકડાયેલ આરોપી ઈરફાન બીસ્તી સહિત 5 લોકોને હિરેન પટેલની હત્યા કરવા ઉજ્જૈનથી દાહોદ બોલાવ્યા હતા. તેઓને આ હત્યાના ષડયંત્ર માટે 25-25 હજાર આપવાનું નક્કી કર્યું હતું.

હત્યા કેસમા પોલીસે હત્યા કરનાર તમામ આરોપીને ઝડપી પાડયા છે પણ હજુ સુધી હત્યા માટે વપરાયેલું પિકઅપ ડાલુ શોધવામાં પોલીસ નિષ્ફળ છે. આ વાહન રહસ્મય રીતે ક્યાં લાપતા થયું તેનો કોયડો હજી સુધી ઉકેલાયો નથી. હવે સ્થાનિક પોલીસ અને એજન્સીઓ આરોપીને નહીં પરંતુ હત્યામાં ઉપયોગ કરાયેલા વાહનને શોધી રહી છે, ચાર વર્ષ બાદ આ વાહન મળશે કે નહિ તે મોટો પ્રશ્ન છે.