May 1, 2024

પાટણની સાગોટા શેરીમાં ચૂંટણી બહિષ્કારના લાગ્યા બેનર

ભાવેશ ભોજક, પાટણ: પાટણ શહેરના વોર્ડ નંબર આઠમાં આવેલી સાગોટાની શેરીના રહીશોએ આજે અશાંત ધારો લાગુ કરવાની માંગણીને લઈને ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવ્યા છે, જ્યાં સુધી અશાંત ધારો નહીં થાય ત્યાં સુધી કોઈપણ ચૂંટણીમાં સાગોટાની પ્રથમ અને બીજી શેરીના રહીશો મતદાન નહીં કરે તેવો નિર્ણય સ્થાનિકોએ લીધો છે.

પાટણ શહેરના વોર્ડ નંબર આઠમાં પાવર હાઉસથી બુકડી જવાના માર્ગ ઉપર આવેલી સાગોટાની શેરીમાં રહેતા કેટલાક લોકોએ અન્ય સ્થળે રહેવા જતા તેમના મકાનોને વિધર્મીઓને વેચવામાં આવી રહ્યા છે, જેથી મહોલ્લામાં રહેતા અન્ય લોકોને રહેવામાં ભારે મુશ્કેલીઓ ઉભી થાય છે. આ વિસ્તારમાંમાં દરજી, પ્રજાપતિ, મોદી વગેરે જ્ઞાતિના લોકો વસવાટ કરે છે. આ શેરીમાં વિવિધ દેવી-દેવતાઓના મંદિરો પણ આવેલા છે અને વરસે દહાડે અહીંયા અનેક ધાર્મિક કાર્યક્રમો પણ પરંપરાગત રીતે ઉજવાય છે.

આ વિસ્તારમાં ત્રણ જેટલા મકાનો વિધર્મીઓને વેચવામાં આવ્યાં છે જ્યારે અન્ય મકાનો વેચવાની હિલચાલ ચાલી રહી છે જેને લઇને રહીશો દ્વારા આ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવે તે માટે પોલીસ તંત્ર જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્યના ગૃહ વિભાગ સુધી લેખિતમાં છેલ્લા ત્રણ વર્ષથી રજૂઆતો કરી છે, છતાં આ બાબતે હજી સુધી વહીવટી તંત્ર દ્વારા યોગ્ય પગલા ભરવામાં આવ્યા નથી જેને લઈને સાગોટાની પ્રથમ અને બીજી શેરીમાં રહેતા સ્થાનિક લોકોએ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરતા બેનરો શેરીમાં લગાવ્યા છે.

સ્થાનિકોએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષથી ચૂંટાયેલા રાજકીય આગેવાનો તેમજ વહીવટી તંત્રને રજૂઆતો કરવા છતાં પણ અમારી માંગણી સ્વીકારવામાં આવતી નથી તો પછી ચૂંટણીમાં અમે શા માટે સહયોગ આપીએ આ વિસ્તારમાં અશાંત ધારો લાગુ નહીં થાય ત્યાં સુધી એક પણ ચૂંટણીમાં સાગોટા ની શેરીના રહીશો મતદાન નહીં કરે.