January 13, 2025

જામકંડોરણાના સનાળામાં સામુહિક આપઘાત, માતા સહિત 2 સંતાનોએ ઝેરી દવા પીધી

જામકંડોરણાઃ તાલુકાના સનાળા ગામે માતા સહિત 2 સંતાનોએ સામુહિક આત્મહત્યા કરી છે. આ શ્રમિક પરિવારે ઝેરી દવા પીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. પતિએ પત્નીને કામ બાબતે સામાન્ય ઠપકો આપ્યો હતો. તેનું માઠું લાગતા પત્નીએ સંતાનો સહિત આત્મહત્યા કરી છે.

પરિવારના અન્ય સભ્યો મજૂરી કામ કરી પરત આવતા રૂમનો દરવાજો ન ખૂલતા દરવાજો તોડ્યો હતો. દરવાજો તોડીને જોતા ત્રણેય સભ્યોના મૃત્યુ પામ્યા હતા. હાલ ત્રણેય મૃતકોને જામકંડોરણાની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યારે પોલીસને આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી પ્રમાણે, દાહોદ જિલ્લામાંથી ખેત મજૂરી કરવા આ પરિવાર જામકંડોરણાના સનાળા ગામે આવ્યો હતો. ત્યારે પતિએ પત્નીને કામ બાબતે સામાન્ય ઠપકો આપતા પત્નીએ સંતાનો સાથે ઝેરી દવા પીધી હોવાની માહિતી મળી છે. માતાએ બંને સંતાનોને ઝેરી દવા પીડાવ્યા બાદ પોતે પણ ઝેરી દવા પીધી હતી પરિવારના અન્ય સભ્યો મજૂરી કામ કરી પરત આવતા રૂમનો દરવાજો ન ખુલતા દરવાજો તોડીને જોતા ત્રણે સભ્યો મૃત્યુ પામ્યા હતા.

મૃતકોનાં નામ
સેનાબેન – 36 વર્ષ
આયુષ – 5 વર્ષ
કાજલ – 6 વર્ષ