May 8, 2024

ગાઝા હુમલામાં 13 લોકોના મોત, બાઇડેને ઈઝરાયેલની કાર્યવાહીને ગણાવી અવિશ્વસનીય

Israel-Hamas War: ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હમાસની યુદ્ધ વિરામની શરતોને નકારી કાઢી અને ગાઝાના દક્ષિણી શહેર પર હુમલાઓ વધારવાની પ્રતિજ્ઞા લીધા બાદ ગાઝા પટ્ટીમાં રફામાં ઇઝરાયેલે એરસ્ટ્રાઇક કરી છે. આ ઇઝરાયેલી હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 13 લોકો મોત થયા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને ગાઝામાં ઈઝરાયેલની કાર્યવાહીને અવિશ્વસનીય ગણાવી છે. નોંધનીય છે કે અમેરિકા ઇઝરાયેલ અને હમાસ પર યુદ્ધવિરામ માટે સતત દબાણ કરી રહ્યું છે.

ગાઝાની અડધી વસ્તી ઈજિપ્તની સરહદે આવેલા શહેર રફામાં આવી ગઈ છે. બીજી બાજુ અહીં કોઇપણ જવાબી કાર્યવાહી ન કરવા ઇજિપ્તે પણ ચેતવણી આપી છે અને કહ્યું અહીંયા કોઇ પગલાં લેવામાં ન આવે. કુવૈતી હોસ્પિટલોના જણાવ્યા અનુસાર હુમલામાં બે મહિલાઓ અને પાંચ બાળકો સહિત ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે ઇઝરાયલના ચાર મહિનાથી ચાલેલા હવાઈ અને જમીની હુમલામાં 27,000 થી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે. બીજી બાજુ ઇઝરાયેલના હુમલાથી મોટાભાગના લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી હતી.

ઇઝરાયલના પીએમ નેતન્યાહૂએ અગાઉ કહ્યું કે ઇજિપ્ત અને ગાઝા વચ્ચેની 14 કિલોમીટર લાંબી સરહદ હંમેશા માટે બંધ કરી દેવી જોઇએ. હમાસના તમામ લડવૈયાઓ અહીંથી પ્રવેશ કરે છે અને બહાર નીકળે છે. આ પટ્ટી અન્ય દેશની સરહદ સાથે જોડાયેલી હોવાથી ઈઝરાયેલ માટે અહીં સીધો હુમલો કરવો મુશ્કેલ છે. નોંધનીય છે કે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ વિરામ અને બંધકોને છોડવા સંબંધિત કરાર માટે હમાસની શરતોને નકારી કાઢી છે. નેતન્યાહુએ શરતોને ભ્રામક ગણાવી અને કહ્યું કે ગાઝા પર હમાસના નિયંત્રણને પૂર્ણ કરવા સુધી યુદ્ધ ચાલુ રહેશે. તેમને જીત સુધી હમાસની વિરૂદ્ધ યુદ્ધ લડવાનો સંકલ્પ લીધો.

અગાઉ નેતન્યાહુએ અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન સાથે મુલાકાતના તરત બાદ આ ટિપ્પણી કરી હતી. બ્લિંકન સંઘર્ષ વિરામ કરારની અપેક્ષામાં વિસ્તારની યાત્રા કરી રહ્યા છે. નેતન્યાહુએ કહ્યું કે હમાસની ભ્રામક માગણીની સામે આત્મસમર્પણ કરવાથી બંધકોને મુક્ત નહીં કરાવી શકાય પણ તે વધુ એક નરસંહારને આમંત્રિત કરશે. તેમને કહ્યું કે અમે પુરી રીતે જીત તરફ આગળ વધી રહ્યા છે.