December 24, 2024

ધરતીના સ્વર્ગ પર PMએ કર્યા યોગ, કહ્યુ – વિશ્વ યોગની શક્તિ જાણે છે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું કે, ‘વિશ્વ યોગની શક્તિને જાણે છે. વિશ્વ યોગને વૈશ્વિક સુખાકારી માટે એક શક્તિશાળી એજન્ટ તરીકે જુએ છે. તે લોકોને ભૂતકાળનો બોજ ભૂલાવીને વર્તમાનમાં જીવવામાં મદદ કરે છે.’ પીએમ મોદીએ શ્રીનગરના SKICCમાં 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના મુખ્ય સમારોહને સંબોધિત કરતી વખતે આ વાત કહી.

યોગ સમાજમાં સકારાત્મક પરિવર્તનના નવા રસ્તાઓનું સર્જન કરે છે
વડાપ્રધાને કહ્યુ કે, યોગે લોકોને અહેસાસ કરાવ્યો છે કે તેમની સુખાકારી તેમની આસપાસના વિશ્વની સુખાકારી સાથે જોડાયેલી છે. વિશ્વ યોગને વૈશ્વિક સુખાકારી માટે એક શક્તિશાળી એજન્ટ તરીકે જોઈ રહ્યું છે. યોગ આપણને ભૂતકાળનો બોજ વહન કર્યા વિના વર્તમાન ક્ષણમાં જીવવામાં મદદ કરે છે. જ્યારે આપણે અંદરથી શાંત હોઈએ, ત્યારે આપણે વિશ્વ પર પણ સકારાત્મક અસર કરી શકીએ છીએ… યોગ સમાજમાં સકારાત્મક પરિવર્તનના નવા માર્ગો બનાવે છે.

આ પણ વાંચોઃ 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી, શ્રીનગરમાં દલ સરોવરના કિનારે PM મોદીએ કર્યા યોગ

આંતરરાષ્ટ્રીય સ્તરે પણ યોગની સતત ચર્ચા
પીએમે કહ્યુ કે, ‘યોગને અનુસરનારાઓની સંખ્યા સતત વધી રહી છે. હું જ્યાં પણ જાઉં છું ત્યાં ભાગ્યે જ કોઈ (આંતરરાષ્ટ્રીય) નેતા હશે જે યોગના ફાયદા વિશે મારી સાથે વાત ન કરે.’ તુર્કમેનિસ્તાન, સાઉદી અરેબિયા, મંગોલિયા અને જર્મનીનું ઉદાહરણ આપતા પીએમ મોદીએ કહ્યુ કે, ‘યોગ ઘણા દેશોમાં લોકોના રોજિંદા જીવનનો ભાગ બની રહ્યો છે. ધ્યાનનું આ પ્રાચીન સ્વરૂપ ત્યાં વધુને વધુ લોકપ્રિય થઈ રહ્યું છે.’

ફ્રેન્ચ મહિલા ચાર્લોટ ચોપિનનો પણ ઉલ્લેખ
તેમના સંબોધનમાં વડાપ્રધાને 101 વર્ષીય ફ્રેન્ચ મહિલા શાર્લોટ ચોપિનનો પણ ઉલ્લેખ કર્યો કે જેમને તેમના દેશમાં યોગને લોકપ્રિય બનાવવાની તેમની સેવાઓ માટે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ CM ભૂપેન્દ્ર પટેલે પોઇન્ટ 0 નડાબેટમાં કર્યા યોગ, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી જોડાયા

યોગની માહિતી મેળવવા વિશ્વભરમાંથી લોકો ભારત પહોંચે છે
મોદીએ કહ્યું કે, યોગના વૈશ્વિક પ્રસારને કારણે તેના વિશેની ધારણામાં પરિવર્તન આવ્યું છે. કારણ કે વધુ લોકો તેના વિશે અધિકૃત માહિતી મેળવવા માટે ભારતની યાત્રા કરી રહ્યા છે. અમે હવે ઉત્તરાખંડ અને કેરળ જેવા રાજ્યોમાં યોગ ટુરિઝમ જોઈ રહ્યા છીએ. લોકો ભારત આવી રહ્યા છે કારણ કે તેઓને અધિકૃત યોગ જોવા મળે છે.