January 23, 2025

ગુજરાત રાજસ્થાન સરહદ પાસે હવાલા નેટવર્કનો પર્દાફાશ, 7 કરોડની રોકડ સાથે 2 ઝડપાયા

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા: ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલા બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકા પાસે આવેલ આંતરરાજ્ય અમીરગઢ ચેકપોસ્ટની નજીકની માવલ ચેકપોસ્ટ પર સાત કરોડથી વધુની રોકડ ઝડપાઇ આવી છે. કરોડોની રોકડ સાથે મહેસાણાના બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

અમીરગઢ ચેકપોસ્ટ પાસે આવેલ રાજસ્થાનની માવલ ચેકપોસ્ટ પર હવાલા નેટવર્ક પર મોટી સફળતા હાંસલ કરી છે. કારમાં 7 કરોડથી વધુની રકમ સાથે 2 ઇસમોને પકડેલ છે રકમ મોટી હોવાથી તેનુ કાઉન્ટીંગ માટે બેંકથી મશીન મંગાવવા પડ્યા હતા.

આબુરોડ રિક્કો પોલિસ સ્ટેશનના થાણા અધિકારી સીતારામના જણાવ્યા મુજબ દિલ્હીથી અમદાવાદ જઈ રહેલી એક કારને માવલ ચેકપોસ્ટ પર અટકાવવામાં આવી હતી. જેના ઉપર શંકા જતાં તેમાં વધુ તપાસ કરતાં કારમાં મોટા પ્રમાણમાં રોકડ છુપાવીને લઈ જવામાં આવી રહી હતી. કારચાલક અને તેની સાથે રહેલા ઈસમને રોકડ રકમ અંગે પૂછતાં તેઓએ પોલિસને કોઇ સંતોષકારક જવાબ ન આપતા અને રોકડ રકમના કોઇ પુરાવા પણ ન બતાવતા રાજસ્થાન પોલિસ દ્વારા રોકડ રકમ ભરેલ કારને રિકકો પોલિસ સ્ટેશનમાં લઈ જઈ રકમને ગણતરી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

રોકડ એટલી બધી વધારે હતી કે તેણે ગણવા માટે બેંકમાંથી મશીન મંગાવી ગણતરી કરવામા આવી હતી. જોકે ગણતરી કરતા કારમાં લઈ જવામાં આવી રહેલ રકમ 7 કરોડ 1 લાખ 999 હોવાનું ખૂલ્યું હતું. કારમાં ગેરકાયદેસર ભારે માત્રામાં રોકડ રકમ લઈ જનાર ઇસમો સંજય રાવલ રહે રાવડાપુરા જિલ્લો મહેસાણા અને દાઉદ સિંધી રહે ગોરાઠ જિલ્લો મહેસાણા વાળાની અટકાયત કરી હતી. જોકે પોલીસ દ્વારા રકમ ક્યાંથી લાવવામાં આવી અને કોને ડીલીવરી આપવાની હતી તેની ઝીણવટ પૂર્વક પૂછતાછ કરવામાં આવી રહીં છે. અને મળેલ રકમ વિશે આયકર વિભાગની જાણ કરવામાં આવી હતી.