January 23, 2025

ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે ખુશખબર, કરી આ મોટી જાહેરાત

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા ફી ભરવામાં આવે તે FRC એટલે કે ફી કમિટીએ માન્ય કરેલી ન હોવાના કારણે સ્કોલરશિપ કે ફ્રીશિપ કાર્ડ અનામત યોજનાનો લાભ મળતો ન હતો પરંતુ વિદ્યાથીઓની રજૂઆત બાદ તમામ ફી FRC દ્વારા માન્ય હોવાની જાહેરાત ગુજરાત યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે. જેને કારણે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મેળવવા માટે મુશ્કેલીઓનો સામનો નહીં કરવો પડે.

આ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટી સહિત અન્ય યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અનામત કેટેગરીના વિદ્યાર્થીઓને કલ્યાણ વિભાગ દ્વારા ફીની સામે સ્કોલરશિપ આપવામાં આવે છે. પરંતુ ઘણીવાર ફીને FRC દ્વારા માન્યતા આપવામાં આવી ન હોવાથી સ્કોલરશિપ મંજૂર થતી નહોતી. એટલે કે, એફઆરસી જેવી કોઈ વ્યવસ્થા જ યુનિવર્સિટીમાં ન હોવાથી દરવર્ષે આ પ્રકારની સમસ્યા ઊભી થતી હતી. વિદ્યાર્થીઓ ફરિયાદ લઇને આવે ત્યારે યુનિવર્સિટી દ્વારા જે તે કોર્સમાં આ પ્રકારની ફી લેવામાં આવે છે તેવું લખી આપવામાં આવતું હતું. જે વિદ્યાર્થીઓ સમાજકલ્યાણ કે અન્ય વિભાગોમાં રજૂ કર્યા બાદ તેમને સ્કોલરશિપ મળતી હતી.

દર વર્ષની આ સમસ્યા બાદ હવે યુનિવર્સિટી દ્વારા એફઆરસીની રચના કરીને હાલ જે-તે કોર્સમાં ફી વસૂલવામાં આવે છે, આ તમામ એફઆરસી માન્ય છે, તેવી જાહેરાત કરી દેવામાં આવી છે. તેના કારણે હવે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં આવીને જે તે કોર્સમાં કેટલી ફી લેવામાં આવે છે તેની લેખિત બાંહેધરી લેવાની ફરજ નહીં પડે. આ ઉપરાંત યુનિવર્સિટી દ્વારા જુદા જુદા પ્રકારના 50થી વધારે કોર્સ જે તે સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.