ઇન્દ્રદેવનું ગુજરાતમાં રૌદ્ર સ્વરૂપ, રાજ્યભરમાં ડેમ થયા ઓવરફ્લો
Gujarat Rain: ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે તમામ ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે. આવો જાણીએ તમામ ડેમની સ્થિતિ અત્યારે શું છે.
ધોળીધજા ડેમ
શહેર સહિત આસપાસના ગામોને પાણી પૂરું પાડતો ધોળીધજા ડેમ ઓવરફ્લો થયો છે. વરસાદને કારણે નર્મદાના પાણીની આવક વધતાં ધોળીધજા ડેમ ઓવરફ્લો થયો છે. નીચાણવાળા રતનપર, જોરાવરનગર, વઢવાણ, મેમકા, ભડીયાદ, સાંકળી, શિયાણી, જાંબુ, રામરાજપર સહિતના ગ્રામજનોને નદીના પટમાં અવરજવર ન કરવા તાકીદ કરવામાં આવી છે.
મધર ઇન્ડિયા ડેમ
મહુવા તાલુકાનો ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ છલકાયો છે. મહુવાના ઉંમરા ગામ ખાતે અંબિકા નદી પર આ ડેમ આવેલો છે. સીઝનમાં ચોથી વાર ડેમ છલકાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ અંબિકા નદીમાં ભરપૂર પાણીની આવકમાં વધારો થયો છે. મહુવા ,બારડોલી પલસાણા તાલુકામાં ભારે વરસાદ પડી રહ્યો છે.
આ પણ વાંચો: ચોમાસામાં કાર લઈને જવાનું હોય તો આ ચોક્કસ કાળજી રાખો
કડાણા ડેમ
રાજ્યના જીવા દોરી સમાન એવા કડાણા ડેમમાં પાણીની આવક થઈ ગઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે મહીસાગર નદીમાં પાણીની આવક થઈ છે. ડેમની સપાટી બપોરે 12.00 કલાક સુધીમાં 406 ફૂટે પહોંચી ગઈ છે. ડેમની અંતિમ સપાટી 419 ફૂટ પહોંચી ગઈ છે. ડેમમાં કુલ 2 લાખ 20 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે. કુલ 3 હાઈડ્રો ટર્બાઇન મારફતે 15 હજાર ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. રાજ્યના શિક્ષણ અને આદિજાતિ મંત્રી ડો કુબેર ડિંડોર એ કડાણા ડેમની મુલાકાત લીધી હતી.
મચ્છુ ડેમમાં આવક
વાંકાનેર પાસેના મચ્છુ 1 ડેમમાં 4421કયુસેક પાણી આવી રહ્યું છે. મચ્છુ 1 ડેમ હજુ 27 ટકા જેટલો જ ભરાયો છે. મચ્છુ 2 ડેમમાં હાલ આવક વધીને 22960 કયુસેક પાણીની આવક થઈ છે. મચ્છુ 2 ડેમ હાલમાં 67 ટકા ભરાઈ ગયો છે. મચ્છુ 3 ડેમમાં 1347 કયુસેક પાણીની આવક થઈ છે. મચ્છુ 3 ડેમ 84 ટકા ભરાયો છે. સલામતીના ભાગ રૂપે આ ડેમનો એક દરવાજો બે ફૂટ ખોલી દેવામાં આવ્યા છે.
માછણનાળા ડેમ
દાહોદ જીલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ભારે વરસાદને પગલે માછણનાળા ડેમ થયો ઓવરફ્લો થયો છે. માછણનાળા ડેમ તેની પુર્ણ સપાટી 277.64 ની ઉપર 278.70 મીટર ઉપર ઓવરફ્લો થયો છે. માછણનાળા ડેમ ઓવરફલો થતા 7 ગામોને એલર્ટ આપી દેવામાં આવ્યા છે. ભાણપુર,ચીત્રોડીયા,ધાવડીયા,મહુડી,માંડલીખુટા, થેરકા ,મુનખોસલા સહીતના ગામોને એલર્ટ આપવામાં આવ્યા છે.
સરદાર સરોવર નર્મદા ડેમ
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધવાના કારણે ડેમ ઓવરફ્લો થયો છે. હાલ નર્મદા ડેમ 135.30 મીટરે પહોંચ્યો છે. ઉપરવાસમાંથી 3,37,367 ક્યુસેક પાણીની આવક થઈ છે. ઉપરવાસમાંથી વધુ પાણીની આવક થવાની શકયતા ને લઈ ડેમમાંથી પાણી વધુ છોડવામાં આવ્યું છે. નર્મદા નદીમાં 3,95,000 ક્યુસેક પાણીની જાવક થઈ છે. નર્મદા ડેમના 23 ગેટ સિઝનમાં પ્રથમ વાર ખોલવામાં આવ્યા છે. નર્મદા ડેમ માં કુલ 4740.60 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો હાલ છે. નર્મદા નદી બે કાંઠે થતા ભરૂચ,વડોદરા અને નર્મદા ના 42 જેટલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તમામ કાંઠા વિસ્તાર માં NDRF અને SDRFની ટિમ તૈનાત કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો: વરસાદે ઘમરોળ્યું ગુજરાત, જોઈ લો 10 તસવીર
ભોગાવો નદી પર પાણી
સુરેન્દ્રનગરના શિયાણી ગામ પાસે આવેલ ભોગાવો નદી પર પાણી ફરી વળ્યા છે. લીંબડી તાલુકામાં તેમજ ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે પાણી ફરી વળ્યું છે. શિયાણી અને ઘાઘરેટિયા વચ્ચે આવેલ ભોગાવો નદીમાં પાણી આવતાં રસ્તો બંધ થઈ ગયો છે. શિયાણી, રોજાસર, ભગવાનપર, રાણાગઢ સહિતના ગ્રામજનોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. અંદાજે 8 થી વધુ ગામોને મુશ્કેલી પડી રહી છે