CR પાટીલનો ચૂંટણી પ્લાન; ‘One Day, One District’ સ્ટ્રેટેજીથી કરશે પ્રચાર
અમદાવાદઃ લોકસભા ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે ભાજપમાં બેઠકોનો દોર ચાલુ થઈ ગયો છે. ભાજપે આ ચૂંટણીમાં દરેક સીટ પર પાંચ લાખથી વધુ મતની લીડથી જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. ત્યારે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની અધ્યક્ષતામાં બેઠકો યોજવામાં આવી રહી છે અને માઇક્રો પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. લોકસભા ચૂંટણી પહેલાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ એક્શનમાં આવી ગયા છે. સીઆર પાટીલ તમામ લોકસભા વિસ્તારમાં પ્રવાસ કરશે. જેમાં દરેક લોકસભા વિસ્તારમાં એક જાહેર કાર્યક્રમ પણ કરશે. તેઓ ઉમેદવારને સાથે રાખીને જાહેર કાર્યક્રમ કરશે. વિધાનસભા ચૂંટણી સમયે પણ સીઆર પાટીલે આ સ્ટ્રેટેજીથી કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. ‘1 ડે, 1 ડિસ્ટ્રિક્ટ’ સ્ટ્રેટેજી સાથે ચૂંટણી પહેલાં દરેક જિલ્લામાં પ્રવાસ કરશે.
આ અંગે માહિતી આપતા સીઆર પાટીલે એક્સ પોસ્ટમાં લખ્યુ હતુ કે, ‘લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે જિલ્લા પ્રમુખ, પ્રભારી અને ધારાસભ્યોની વિશેષ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જરૂરી માર્ગદર્શન પાઠવ્યું હતું અને લોકસભાની આ ચૂંટણીમાં ગુજરાત રેકોર્ડ બ્રેક કરી દરેક બેઠક પર પાંચ લાખથી વધુની લીડ મેળવે એ માટે આહવાન કર્યું.’
આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણીને લઈને બનાસકાંઠા બોર્ડર પર પોલીસનું સઘન ચેકિંગ
26 સીટ પર પાટીલ કરશે પ્રચાર
ગુજરાતની 26 સીટ પર ભાજપે ઉમેદવારોની જાહેરાત કરી નાંખી છે. ત્યારે હવે હાઇકમાન્ડે તમામ ઉમેદવારને પ્રચાર-પ્રસાર માટે મેદાનમાં ઉતરી જવા માટે જણાવ્યું છે. આ દરમિયાન ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે તમામ બેઠકો પર ઉમેદવારને સાથે રાખીને ચૂંટણી પ્રચાર કરશે તેવી વાત કરી છે.
આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરમાં શાંતિ સાથે વિકાસ, આતંકવાદનો નાશ થઈ રહ્યો છેઃ અમિત શાહ
સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી
આ ઉપરાંત ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, જેપી નડ્ડા સહિત અનેક નેતાઓ સામેલ છે. આ સિવાય ઘણાં રાજ્યોના મુખ્યમંત્રી સહિત બોલિવૂડના કલાકારો પણ સામેલ છે.