May 5, 2024

મંદિરના પાટોત્સવ પ્રસંગની પત્રિકામાં નામ નહીં લખવા બાબતે જૂથ અથડામણ, વૃદ્ધ મહિલાની હત્યા

મિહિર સોની, અમદાવાદ: વસ્ત્રાપુરમાં મંદિરના પાટોત્સવના પ્રસંગની પત્રિકામાં નામ નહીં લખવા બાબતે થઈ જૂથ અથડામણ થઇ હતી, આ અથડામણમાં વૃદ્ધ મહિલાની હત્યા અને 7 લોકો થયા ઇજાગ્રસ્ત થયા હતા. પોલીસે હત્યા, હત્યા પ્રયાસ અને રાયોટિંગનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બંન્ને પક્ષની સામસામે ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદમાં મંદિરની પાટોત્સવના પ્રસંગની તકરારમાં ખેલાયો ખૂની ખેલાયો છે. બે જૂથ સામસામે પથ્થરમારો કરતા વૃદ્ધ મહિલાની હત્યા થતા સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાઈ હતી. વસ્ત્રાપુર ગામમાં આવેલા ભરવાડ વાસમાં આવેલા રાધા કૃષ્ણ ભગવાનના મંદિરના પાટોત્સવના પ્રસંગ 9 મેના રોજ યોજવાનો હતો. આ મહોત્સવની પત્રિકા છપાવવાનું નક્કી કર્યું હતું. જેના માટે ભરવાડ સમાજના આગેવાનો એકઠા થયા હતા. આ પત્રિકામાં ગાંધીનગરમાં ટ્રાફિકમાં PI જી કે ભરવાડે પોતાનું નામ લખવા માટે દબાણ કર્યું હતું, પરંતુ સમાજના કેટલાક આગેવાનો મંજુર થયા નહતા. આ તકરાર એટલી ઉગ્ર બની કે બન્ને પક્ષ સામસામે આવી ગયા અને પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ પથ્થરમારામાં વૃદ્ધ મહિલા લીલીબેન ભરવાડ ઇજાગ્રસ્ત થતા તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે 2 મહિલા સહિત 7 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાઈ હતી. પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને પરિસ્થિતિ કાબુમાં લીધી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે કૃષ્ણ ભગવાન નું મંદિર 35 વર્ષ જૂનું છે. દર 5 વર્ષે ભરવાડ સમાજ દ્વારા મંદિરમાં પાટોત્સવના પ્રસંગની ઉજવણી કરવામાં આવે છે. આ મહોત્સવમાં યજમાન, મહા આરતી અને ધજા ચઢાવતા લોકોનું પત્રિકામાં નામ લખાય છે. આ પત્રિકા છપાવવા જાય તે પહેલાં મીટીંગ થઈ હતી તેમાં PI જી કે ભરવાડ પોતાનું નામ ઉમેરવા તકરાર કરી હતી અને જૂથ અથડામણ શરૂ થઈ હતી. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું કે મંદિરની બાજુમાં આવેલી જમીનનો પ્લોટ PI જી કે ભરવાડને ખરીદવો હતો, પરંતુ જમીનના માલિકે અન્ય વ્યક્તિને વેચાણ કરતા તેનો પણ વિવાદ ચાલતો હતો. આ વિવાદો વચ્ચે મંદિરના પાટોત્સવના પ્રસંગની ઉજવણીને લઈને બંન્ને પક્ષના લોકો એકઠા થયા હતા. જેમાં તકરાર થતા એકબીજા પર પથ્થરમારો શરૂ કર્યો હતો. વસ્ત્રાપુર પોલીસે આ જૂથ અથડામણ માં બન્ને પક્ષની ક્રોસ ફરિયાદ નોંધી છે. જેમાં PI જી કે ભરવાડ સહિત 10 વિરુદ્ધ હત્યા, હત્યા પ્રયાસ અને રાયોટિંગ નો ગુનો નોંધ્યો છે જ્યારે બીજી ફરિયાદના 11 વિરુદ્ધ રાયોટિંગનો ગુનો નોંધવામાં આવ્યો છે.. વસ્ત્રાપુર માં જૂથ અથડામણ કેસમાં મંદિર પાટોત્સવના પ્રસંગ અને જમીનનો વિવાદ સામે આવી રહ્યો છે. પરિવારમાં રોષ વધતા તેમને મૃતદેહ સ્વીકાર કરવાનો ઇન્કાર કર્યો હતો, પરંતુ પોલીસે સમજાવતા મામલો થાળે પડ્યો હતો. હાલમાં આ કેસમાં પોલીસે જુદી જુદી ટીમો બનાવીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.