November 14, 2024

સરકારી મેડિકલ કોલેજના કરાર આધારિત શિક્ષકોના વેતનમાં વધારો

ગાંધીનગરઃ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય વિષયક મહત્વના નિર્ણય સંદર્ભે જાહેરાત કરતા જણાવ્યું‌‌ હતું કે, ‘મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યની સરકારી મેડિકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલમાં સેવારત 11 માસના કરાર આધારિત તબીબી શિક્ષકોના માસિક વેતનમાં 30થી 55% સુધીનો વધારો કરવાનો હિતકારી નિર્ણય કરવામાં આવ્યો છે.’

રાજ્યના પ્રત્યેક નાગરિકને શ્રેષ્ઠત્તમ આરોગ્ય સેવા અને મેડિકલ વિદ્યાર્થીને ગુણવત્તા શિક્ષણ એ જ સરકારની પ્રાથમિકતા છે તેમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે, તબીબી શિક્ષકોના માસિક વેતનમાં થયેલા નોંધપાત્ર વધારાના પરિણામે હોસ્પિટલમાં તબીબો અને શિક્ષકોની ઘટ નિવારવામાં મદદ મળશે.

રાજ્ય સરકારના મહત્વપૂર્ણ નિર્ણય સંદર્ભે વધુ વિગતો આપતા તેમણે કહ્યું કે, ‘સરકારી મેડિકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલમાં ખાનગી પ્રેક્ટિસ સિવાય ફરજરત આ તબીબી શિક્ષકોને માસિક વેતનમાં થયેલા નોંધપાત્ર વધારાનો લાભ મળશે.’ આ નિર્ણય અનુસાર પ્રાધ્યાપક વર્ગ-1ના પ્રોફેસરને હાલ 1.84 લાખ રૂપિયા માસિક વેતન ચૂકવવામાં આવે છે જે હવેથી 2.50 લાખ રૂપિયા થશે.

સહ પ્રાધ્યાપક વર્ગ-1ને 1,67,500 રૂપિયાની જગ્યાએ 2.20 લાખ, મદદનીશ પ્રાધ્યાપક વર્ગ-1ને 89,400 રૂપિયાની જગ્યાએ 1.38 લાખ અને ટ્યૂટર વર્ગ-2ને 69,300ની જગ્યાએ 1.05 લાખ રૂપિયા માસિક વેતન ચૂકવવામાં આવશે. આરોગ્ય વિભાગના તારીખ 9 ઓક્ટોબર 2024 ઠરાવથી નિર્ણય અમલી બનશે.