October 10, 2024

‘ગુડ બાય મારા લાઈટ હાઉસ…’, રતન ટાટાની નજીકના ગણાતા શાંતનું નાયડુએ કરી ભાવુક પોસ્ટ

Ratan Tata: ઉદ્યોગપતિ રતન ટાટાનું બુધવારે રાત્રે 86 વર્ષની વયે અવસાન થયું. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. ગુરુવારે સાંજે રતન ટાટાના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક સહિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી રતન ટાટા સાથે રહેલા શાંતનુ નાયડુએ પણ લિંક્ડઇન પોસ્ટમાં તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. રતન ટાટા સાથેનો ફોટો પણ શેર કર્યો છે.

શાંતનુએ તેની લિંક્ડઇન પોસ્ટમાં લખ્યું છે કે, ‘રતન ટાટાના નિધનથી અમારી મિત્રતામાં જે ખાલીપો રહી ગયો છે તેને ભરવા માટે હું મારું જીવન સમર્પિત કરીશ. આ દુ:ખ પ્રેમની કિંમત છે. ‘ગુડબાય માય લાઇટ હાઉસ’ કહીને શ્રદ્ધાંજલિ આપી હતી, તમને જણાવી દઈએ કે રતન ટાટા અને શાંતનુ વચ્ચે ઘણું સારુ બોન્ડિંગ હતું.

કોણ છે શાંતનુ નાયડુ?
શાંતનુ રતન ટાટાના મેનેજર અને અંગત સહાયક તરીકે કામ કરે છે. રતન ટાટા સાથે સતત જોડાયેલા શાંતનુની ગુડફેલો નામની પોતાની કંપની છે. તે વૃદ્ધોને તેમના અંતિમ દિવસોમાં સુવિધાઓ આપવાનું કામ કરે છે. મોટોપોઝ નામની કંપની કૂતરા માટે રિફ્લેક્ટર કોલર બનાવે છે. આ રિફ્લેક્ટરનો ઉપયોગ રસ્તા પર થતા અકસ્માતોને રોકવા માટે થાય છે.

શાંતનુ નાયડુ છેલ્લા કેટલાક વર્ષોથી રતન ટાટા સાથે કામ કરી રહ્યા છે. તેઓ રતન ટાટાની ઓફિસમાં જનરલ મેનેજર છે. શાંતનુ રતન ટાટાના બિઝનેસની સાથે સાથે તેમના રોકાણને પણ સંભાળે છે. રતન ટાટા શાંતનુને પોતાના પુત્રની જેમ માનતા હતા. શાંતનુ ઓટોમોબાઈલ ડિઝાઈન એન્જિનિયર છે અને કોર્નેલમાંથી એમબીએ પણ કર્યું છે. રતન ટાટાએ જ શાંતનુને કોર્નેલમાંથી એમબીએ કરવામાં મદદ કરી હતી. આ પછી રતન ટાટા પોતે શાંતનુના પદવીદાન સમારોહમાં હાજરી આપવા માટે કોર્નેલ યુનિવર્સિટી પહોંચ્યા હતા. બાદમાં શાંતનુને ટાટા સાથે કામ કરવાની તક મળી.

આ પણ વાંચો: કેવી રીતે થશે રતન ટાટાના અંતિમ સંસ્કાર? જાણો શું છે પારસી સમુદાયના નિયમ