May 4, 2024

નિલેશ કુંભાણીના ચૂંટણી ફોર્મમાં ટેકેદારોની સહીની FSL તપાસની કોંગ્રેસે માગ કરી

કોંગ્રેસના કાર્યકર્તાઓની હાજરીમાં ચૂંટણી ફોર્મમાં સહી કરી હતી તે ટેકેદારના સાક્ષીઓ હવે મીડિયા સામે આવ્યા છે.

અમિત રૂપાપરા, સુરત: નિલેશ કુંભાણીને લઈને હવે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. નિલેશ કુંભાણીના ટેકેદારોએ જ પોતાની સહી ફોર્મમાં નહીં હોવાની વાત જિલ્લા ચૂંટણી અધિકારીને કરી હતી. ત્યારબાદ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું. હવે આ સમગ્ર મામલે ટેકેદારોએ જે કોંગ્રેસના કાર્યકર્તાઓની હાજરીમાં ચૂંટણી ફોર્મમાં સહી કરી હતી તે ટેકેદારના સાક્ષીઓ હવે મીડિયા સામે આવ્યા છે અને આ મામલે ન્યાયની માગણી કરી છે. એફએસએલ દ્વારા તપાસ કરવામાં આવે તેવી પણ એક માગણી કરવામાં આવી રહી છે.

સુરત લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થયા બાદ હવે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આજે કોંગ્રેસના કાર્યકર્તાઓ હવે નિલેશ કુંભાણીની સામે વિરોધમાં આવ્યા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કારણ કે નિલેશ કુંભાણી દ્વારા પોતાના ચૂંટણી ફોર્મમાં જે ટેકેદારોની સહી કરાવી હતી તે ટેકેદાર જગદીશ સાવલિયા, ધ્રુવીન ધામેલીયા અને રમેશ પોલરા કોંગ્રેસના કાર્યકર્તા નહીં પરંતુ પોતાના સગા સંબંધી હોવાનું સામે આવ્યું છે. આ ત્રણે ટેકેદારોએ નિલેશ કુંભાણીએ ચૂંટણી ફોર્મ ભર્યા બાદ જિલ્લા કલેકટર એટલે કે ચૂંટણી અધિકારી સમક્ષ હાજર થઈને નિવેદન આપ્યું હતું અને સોગંદનામુ રજૂ કર્યું હતું કે ચૂંટણી ફોર્મની અંદર જે સહી છે ટેકેદાર તરીકે તે તેમની નથી અને ત્યારબાદ નિલેશ કુંભાણીનું ચૂંટણી ફોર્મ રદ થયું હતું.

આ પણ વાંચો: સુરતના નિલેશ કુંભાણીનુ ફોર્મ રદ્દ મામલે પત્નીની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?

ચૂંટણી ફોર્મ રદ થયા બાદ નિલેશ કુંભાણી પણ કોંગ્રેસના કોઈ નેતાના સંપર્કમાં નથી અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ આ બાબતે નિલેશ કુંભાણીના ઘરે જઈને નિલેશ કુંભાણી ગદ્દાર હોવાના બેનરો સાથે વિરોધ પણ દર્શાવ્યો હતો. ત્યારે હવે જે ટેકેદારોએ જે સાક્ષીઓની હાજરીમાં સહી કરી હતી તે સાક્ષીઓ મીડિયા સમક્ષ આવ્યા છે. રાજુભાઈ ભાલાળા, રમેશભાઈ ગાજીપરા, દિનેશભાઈ વેકરીયા અને ભદ્રેશભાઈ વસાણી નામના આ ચાર કોંગ્રેસના કાર્યકર્તાઓએ પણ જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ સોગંદનામુ કરીને રજૂઆત કરી હતી કે જે ટેકેદારોએ સહી કરી છે તે તેમની હાજરીમાં કરી છે પરંતુ ચૂંટણી અધિકારી દ્વારા આ સાક્ષીઓના સોગંદનામાને ધ્યાને લેવામાં આવ્યું નથી.

મહત્વની વાત છે કે રાજુભાઈ ભાલાળા, રમેશભાઈ ગાજીપરા, દિનેશભાઈ વેકરીયા અને ભદ્રેશભાઈ વસાણી દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે 17 તારીખે સાંજના સમયે જ્યારે નિલેશ કુંભાણીની રેલીની તૈયારીઓ કરવામાં આવતી હતી કે 18 તારીખે નિલેશ કુંભાણી ઉમેદવારી ફોર્મ ભરશે ત્યારે વિશાળ રેલી નીકળવાની હતી અને તેની તૈયારી પૂર્વ સંધ્યાએ જ કરવામાં આવતી હતી તે સમયે આ ચારેય કાર્યકર્તાઓની હાજરીમાં ટેકેદારો દ્વારા ચૂંટણીના ફોર્મમાં સહી કરવામાં આવી હતી અને જો જિલ્લા ચૂંટણી અધિકારી તેમને બોલાવશે તો તેઓ જે ટેકેદારો દ્વારા સહી કરવામાં આવી છે તે ટેકેદારોને ઓળખીને પણ બતાવશે. તો બીજી તરફ ચૂંટણી અધિકારી દ્વારા કોઈ કાર્યવાહી ન કરવાના કારણે હવે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા FSLની માગણી કરવામાં આવી છે કે, FSL દ્વારા આ સહી છે તેની ચકાસણી કરવામાં આવે.