May 18, 2024

વાંસદામાં અમિત શાહે વિજય સંકલ્પ સભામાં કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

વલસાડ: લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે નેતાઓ પ્રચાર માટે એડી ચોંટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે આજે વાંસદા ખાતે વલસાડ લોકસભાના ઉમેદવાર ધવલ પટેલના પ્રચાર માટે દેશના ગૃહ મંત્રી અમિત શાહે સભા ગજવી હતી. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રીએ કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. જેમાં તેઓએ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખરગેને આડે હાથ લીધા હતા.
વલસાડ લોકસભા સીટ માટે કહેવાય છે કે વલસાડની લોકસભા સીટ ઉપર જે ઉમેદવાર જીતે તેની દેશમાં સરકાર બને છે. વલસાડ સીટ ઉપર આ  ચૂંટણીમાં કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને બીજેપીના યુવા આદિવાસી આગેવાન ધવલ પટેલ વચ્ચે જંગ જામ્યો છે ત્યારે આજે અનંત પટેલના ગઢ કહેવાતા વાંસદામાં ગૃહ મંત્રી અમિત શાહ વિજય સંકલ્પ સભા કરી રહ્યા છે જેમાં મોટી સંખ્યામાં વલસાડ ડાંગ અને નવસારીના આદિવાસીઓ ઉમટી પડ્યા છે. વલસાડ લોકસભાના બીજેપીના ઉમેદવાર ધવલ પટેલે પાંચ લાખથી વધુ મતોથી જીતવાનો  વિશ્વાસ દર્શાવ્યો હતો.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના ભાષણમાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખરગેના નિવેદનનો ઉલ્લેખ કરી તેમને આડે હાથ લીધા હતા. તો રાહુલ ગાંધીને પણ તેમણે ટોણો માર્યો હતો કે, તેઓ પાતાની પૈતૃક સીટ છોડીને ભાગી ગયા અને અને હવે રાયબરેલીથી ચૂંટણી લડવા આવ્યા છે. તેમણે અમેઠીની સીટ છોડીને સાબિત કરી દીધુ છે કે, તેઓએ હાર માની લીધી છે.