November 26, 2024

યુદ્ધ વચ્ચે એસ.જયશંકરે ઇઝરાયલના વિદેશમંત્રી સાથે 17 ભારતીય નાગરિકોને મુક્ત કરવાની કરી માંગ

દિલ્હી: વિદેશ મંત્રી એસ જયશંકરે રવિવારે તેમના ઈઝરાયલી સમકક્ષ ઈઝરાયલ કાત્ઝ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. તેમણે ઈરાન-ઈઝરાયલ તણાવને કારણે ઉભી થયેલી પરિસ્થિતિ પર ભારતની ચિંતાઓ શેર કરી હતી. 1 એપ્રિલના રોજ ઈરાને દમાસ્કસમાં તેના વાણિજ્ય દૂતાવાસ પરના હુમલાના જવાબમાં સેંકડો ડ્રોન અને મિસાઈલો લોન્ચ કરીને ઈઝરાયલ પર પ્રથમ સીધો હુમલો કર્યો.

વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, ઈઝરાયલના વિદેશ મંત્રી ઈઝરાયલ કાત્ઝ સાથે હમણાં જ વાતચીત પૂર્ણ થઈ છે. ગઈકાલના ઘટનાક્રમ પર તેમની ચિંતા શેર કરી. વ્યાપક પ્રાદેશિક પરિસ્થિતિની ચર્ચા કરી. સંપર્કમાં રહેવા સંમત થયા. ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના તણાવ પર વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલી દુશ્મનાવટથી ગંભીરતાથી ચિંતિત છીએ. જે આ ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષાને જોખમમાં મૂકે છે.

તાત્કાલિક તણાવ ઘટાડવા પર ભાર
ભારતે કહ્યું છે કે અમે બંને દેશોને તાત્કાલિક તણાવ ઓછો કરવા, સંયમ રાખવા, હિંસાથી પાછળ હટવા અને કૂટનીતિના માર્ગ પર પાછા ફરવાનું આહ્વાન કરીએ છીએ. વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત પશ્ચિમ એશિયામાં ઉભરી રહેલી સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. બંને દેશો વચ્ચેના તણાવને જોતા ભારતના લોકોને આ દેશોની યાત્રા ન કરવાની સલાહ આપવામાં આવી છે.

17 ભારતીય નાગરિકોને મુક્ત કરવાની માંગ
આ પહેલા વિદેશ મંત્રીએ ઈરાનના વિદેશ મંત્રી હોસૈન અમીર-અબ્દુલ્લાહિયન સાથે વાત કરી હતી. વાતચીત દરમિયાન, વિદેશ મંત્રીએ પોર્ટુગીઝ ધ્વજવાળા કાર્ગો જહાજમાં સવાર 17 ભારતીય નાગરિકોને મુક્ત કરવાની માંગ કરી. ફોન પર વાતચીત દરમિયાન વિદેશ મંત્રીએ ઈરાનને તણાવ ટાળવા, સંયમ રાખવા અને કૂટનીતિના માર્ગ પર પાછા ફરવાનું પણ આહ્વાન કર્યું હતું.

ઈરાની સેનાએ હોર્મુઝ સ્ટ્રેટ નજીક ઈઝરાયલના એક અબજોપતિના જહાજને કબજે કરી લીધું હતું. આ જહાજ પર 17 ભારતીય ક્રૂ મેમ્બર પણ હાજર છે. હવે ભારત સરકાર જહાજમાં સવાર ભારતીયોની મુક્તિ સુનિશ્ચિત કરવા માટે ઈરાન સાથે વાતચીત કરી રહી છે.