May 18, 2024

સલમાનના ઘર પર ફાયરિંગ કરનારા શૂટરોની તસવીર આવી સામે, શું છે ગેંગસ્ટર રોહિતથી કનેક્શન!

મુંબઈ: મુંબઈમાં ગઇકાલે વહેલી સવારે અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર અંધાધૂંધ ગોળીબાર કરનારા બે હુમલાખોરોની તસવીરો સામે આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે બાંદ્રા સ્ટેશન પાસે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાને સ્કેન કર્યા બાદ બંને શૂટરોની તસવીરો મળી આવી છે. આમાં બંનેના ચહેરા સ્પષ્ટ દેખાય છે. જો કે અધિકારીઓને શંકા છે કે હવે આ બંને શૂટરો શહેર છોડીને ગયા હશે.

મુંબઈ પોલીસે જણાવ્યું કે રવિવારે સવારે લગભગ 5 વાગ્યે બે અજાણ્યા લોકોએ સલમાન ખાનના બાંદ્રા સ્થિત ઘર ‘ગેલેક્સી એપાર્ટમેન્ટ’ની બહાર ગોળીબાર કર્યો હતો. ઘટનાસ્થળેથી છ રાઉન્ડ ફાયરિંગના પુરાવા મળ્યા છે. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસમાં લાગેલી છે.

ફાયરિંગની ઘટના બાદ મુંબઈ પોલીસે અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર સુરક્ષા વધારી દીધી છે. પોલીસે 5થી વધુ લોકોના નિવેદન નોંધ્યા છે. બાંદ્રા પોલીસે બંને હુમલાખોરો વિરુદ્ધ આઈપીસી કલમ 307 (હત્યાનો પ્રયાસ) અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. આ કેસ સલમાન ખાનના સિક્યોરિટી ગાર્ડના નિવેદનના આધારે નોંધવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે સલમાનના ઘરની બાલ્કનીમાં લગાવેલી જાળીમાંથી પણ એક ગોળી નીકળી છે. તે બુલેટનો શેલ પોલીસને ઘરની અંદરથી મળી આવ્યો છે. આરોપીઓને વહેલી તકે પકડવા માટે બે ડઝનથી વધુ પોલીસ ટીમો બનાવવામાં આવી છે. બાંદ્રામાં જ અજાણ્યા હુમલાખોરોની બાઇક મળી આવી છે.

કોણ છે બે શૂટર્સ?
અહેવાલ છે કે બંને હુમલાખોરો મહારાષ્ટ્રના ન હતા. તે લોકો અન્ય રાજ્યમાંથી મુંબઈ આવ્યા હતા. હુમલાખોરો રાજસ્થાન અને હરિયાણાના હોવાની માહિતી સામે આવી રહી છે. ખતરનાક ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈના કહેવા પર વિદેશમાં બેઠેલા રોહિત ગોદારાએ શૂટરોની વ્યવસ્થા કરી હતી.
લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા રાજસ્થાનના કુખ્યાત ગેંગસ્ટર રોહિત ગોદારાની ગેંગે બંને શૂટરોને મુંબઈ મોકલી દીધા હોવાની શક્યતા છે. રાજસ્થાનના સનસનાટીભર્યા ગોગામેડી હત્યા કેસ અને રાજુ થીથ હત્યા કેસમાં પણ રોહિત ગોદારાનું નામ સામે આવ્યું હતું.

લોરેન્સ બિશ્નોઈ ગેંગે જવાબદારી લીધી
સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. લોરેન્સ બિશ્નોઈના ભાઈએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આની જવાબદારી લીધી. અભિનેતાને પણ ચેતવણી આપી હતી. કાળિયાર શિકાર કેસમાં તેની કથિત સંડોવણીને કારણે બિશ્નોઈ ગેંગ સલમાનને જાનથી મારી નાખવા માટે પાછળ પડ્યા છે. આ કારણસર સરકારે સલમાનને ‘વાય-પ્લસ’ શ્રેણીની સુરક્ષા આપી છે.

‘તે માત્ર ટ્રેલર હતું…’
અનમોલ બિશ્નોઈ નામના ફેસબુક એકાઉન્ટમાંથી એક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, “જો અત્યાચાર વિરુદ્ધ નિર્ણય યુદ્ધ દ્વારા લેવામાં આવે તો યુદ્ધ યોગ્ય છે. સલમાન ખાન અમે તમને ટ્રેલર બતાવવા માટે આ કર્યું છે. જેથી તમે અમારી શક્તિને સમજો અને અમારી શક્તિની પરીક્ષા ન કરો. આ પ્રથમ અને છેલ્લી ચેતવણી છે. હવે પછી માત્ર ઘર પર ગોળીઓ ચલાવવામાં આવશે નહીં…” જો કે, હજી સુધી આની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.