January 23, 2025

જમ્મુ-કાશ્મીરના રાજૌરી-કુપવાડામાં 3 જગ્યાએ એન્કાઉન્ટર, 3 આતંકી ઠાર

Jammu Kashmir:  જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ ત્રણ અલગ-અલગ ઓપરેશનમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. સુરક્ષા દળોએ કુપવાડાના માછિલમાં બે આતંકીઓને ઠાર કર્યા છે જ્યારે તંગધારમાં એક આતંકીને ઠાર કર્યો છે. આ દરમિયાન રાજૌરીમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓ સરહદ પારથી ઘૂસણખોરી કરી રહ્યા હતા. એન્કાઉન્ટર બાદ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે.

તંગધાર ભારત અને પાકિસ્તાન વચ્ચે નિયંત્રણ રેખા (એલઓસી) નજીક આવેલું છે. તે હંમેશા તણાવનું કેન્દ્ર રહ્યું છે. આતંકવાદીઓની ગતિવિધિઓને રોકવા માટે સુરક્ષા દળોએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સુરક્ષા દળોએ એક વિસ્તારને ઘેરી લેતા જ આતંકીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો.

રાજૌરીમાં પણ એન્કાઉન્ટર
બીજી તરફ રાજૌરીમાં પણ સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. રાજૌરીમાં સુરક્ષા દળો દ્વારા 28 ઓગસ્ટે રાત્રે 9.30 વાગ્યે ખેરી મોહરા લાઠી ગામ અને દંથલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન, રાત્રે લગભગ 11.45 વાગ્યે આતંકવાદીઓ સાથે સંપર્ક સ્થાપિત થયો અને ખેરી મોહરા વિસ્તાર નજીક આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર થયો.

ડ્રોનનો ઉપયોગ કરીને સેના
એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળોએ આતંકીઓની સ્થિતિ સમજવા માટે ડ્રોનનો પણ ઉપયોગ કર્યો હતો. આનાથી તેમને એ જાણવામાં મદદ મળી કે આતંકવાદીઓ ક્યાં છુપાયેલા છે. આતંકીઓને શોધવા હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. સુરક્ષા દળોની અન્ય ટીમોને એલર્ટ કરવામાં આવી છે. આ પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અને રક્ષા મંત્રી પણ જમ્મુ-કાશ્મીરની સુરક્ષાને લઈને ઘણી મહત્વપૂર્ણ બેઠકો કરી ચૂક્યા છે. જેમાં તાજેતરમાં આતંકવાદી પ્રવૃતિઓમાં થયેલા વધારાને અટકાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી અને તેનો સામનો કરવા માટેના આદેશો પણ આપવામાં આવ્યા હતા.

સપ્ટેમ્બરમાં ચૂંટણી યોજાશે

જમ્મુ-કાશ્મીરમાં આવતા મહિને જ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 18 સપ્ટેમ્બરે, બીજા તબક્કાનું 25 સપ્ટેમ્બરે અને ત્રીજા તબક્કાનું મતદાન 1 ઓક્ટોબરે થશે. જે બાદ 4 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં 2014 પછી ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણીના આવા માહોલ વચ્ચે ઘાટીમાં આતંકવાદીઓની નાપાક ગતિવિધિઓમાં વધારો ચિંતાનો વિષય બની રહ્યો છે.