January 23, 2025

‘સીટ શેરિંગ પર ટૂંક સમયમાં લેવાશે નિર્ણય’, શાહને મળ્યા બાદ સીએમ શિંદેનું નિવેદન

Maharashtra Assembly Elections 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચુંટણી પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે છત્રપતિ સંભાજીનગર ખાતે મુખ્યમંત્રી એકનાથ શિંદે તેમજ ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી. મંગળવારે રાત્રે થયેલી આ મુલાકાત બાદ સીએમ શિંદેએ કહ્યું કે ચર્ચા સકારાત્મક રહી છે અને NDAમાં સીટ શેરિંગને લઈને ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. જોકે સીએમ શિંદે એ સીટ શેરિંગને લઈને કોઈ માહિતી નથી આપી.

મહારાષ્ટ્રના બે દિવસના પ્રવાસે અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથેની બેઠક બાદ છત્રપતિ સંભાજીનગર એરપોર્ટ પર પત્રકારોએ સીએમ શિંદેને સીટ શેરિંગને લઈને સવાલ કર્યો ત્યારે તેમણે નિવેદન આપતા જણાવ્યું હતું કે ‘બેઠક સકારાત્મક રહી અને ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.’ તેમણે કહ્યું કે સંકલનની સાથે ચર્ચા આગળ વધી રહી છે. ઉલ્લેખનીય છે કે અમિત શાહ પોતાના બે દિવસના મહારાષ્ટ્ર પ્રવાસ પર મંગળવારે છત્રપતિ સંભાજીનગર પહોંચ્યા હતા. મહારાષ્ટ્રમાં સત્તારૂઢ મહાયુતિ ગઠબંધન વિધાનસભા ચૂંટણી માટે સીટ શેરિંગને લઈને ચર્ચા કરી રહ્યું છે. મહાગઠબંધનમાં ભાજપ, એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના અને અજિત પવારની આગેવાનીવાળી NCPનો સમાવેશ થાય છે.

મંગળવારે મોડી રાત સુધી ચાલી હતી બેઠક
મંગળવારે રાત્રે એક હોટલમાં થયેલ બેઠકમાં અમિત શાહ ઉપરાંત મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ સામેલ થયા હતા. બાદમાં NCP ચીફ અજિત પવાર અને NCPના કાર્યકારી પ્રમુખ પ્રફુલ પટેલે પણ બેઠકમાં હાજરી આપી હતી. મોડી રાત સુધી લગભગ 12.30 વાગ્યા સુધી બેઠક ચાલી હતી. જોકે હોટલમાં બેઠક બાદ કોઈપણ નેતાએ મીડિયા સાથે વાત કરી ન હતી. સીએમ શિંદે રાત્રે જ એરપોર્ટ જવા રવાના થયા હતા. એરપોર્ટ પર મીડિયા સાથે વાત કરતા સીએમ શિંદેએ સંકેત આપ્યા હતા કે મહાયુતિ ગઠબંધનમાં સીટની વહેંચણી અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવી શકે છે.

હાલ ભાજપ મહારાષ્ટ્ર વિધાનસભામાં સૌથી મોટી પાર્ટી
ગયા અઠવાડિયે જ મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું હતું કે મહાગઠબંધનના ઘટક પક્ષો વચ્ચે વિધાનસભા ચૂંટણી માટે 288 બેઠકોમાંથી 70-80 ટકા બેઠકો પર લડવા માટે સર્વસંમતિ સધાઈ ગઈ છે. તેમણે સંકેત આપ્યો કે સીટ શેરિંગમાં જીતવાની ક્ષમતા માપદંડ હશે. હાલ, મહારાષ્ટ્ર વિધાનસભામાં 103 ધારાસભ્યો સાથે ભાજપ સૌથી મોટી પાર્ટી છે. ત્યારબાદ, એકનાથ શિંદેની આગેવાની વાળી શિવસેના પાસે 40 ધારાસભ્યો છે જ્યારે અજિત પવારની આગેવાની વાળી NCP પાસે 41 અને કોંગ્રેસ પાસે 40 ધારાસભ્યો છે. શિવસેના UBT પાસે 15 ધારાસભ્યો છે, જ્યારે NCP (શરદ પવાર) પાસે 13 ધારાસભ્યો છે. અન્ય 29 અપક્ષ ધારાસભ્યો છે. જ્યારે કેટલીક બેઠકો ખાલી છે.