ધોરાજીના સ્મશાનમાં તાંત્રિક વિધિ કરતો વીડિયો વાયરલ, લોકોની કાર્યવાહી કરવા માગ
રાજકોટઃ જિલ્લાના ધોરાજીમાં આવેલા સોનાપુરી સ્મશાન ગૃહમાં એક યુવકનો તાંત્રિક વિધિ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. News capitalની ટિમ વાયરલ વીડિઓનું રિયાલિટી ચેક કરવા ધોરાજી પહોંચી હતી.
ધોરાજીમાં બે દિવસ અગાઉ એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં કોઈ અજાણ્યો યુવાન સોનાપુરી કૈલાસ ધામ સ્મશાન ગૃહમાં આવેલા લોખંડના ખાટલામાં તાંત્રિક વિધિ કરી રહ્યો હતો. આ વીડિયોએ સમગ્ર ધોરાજી પંથકમાં ચકચાર મચાવી છે. આ વીડિયોને કારણે લોકોની ધાર્મિક લાગણી પણ દુભાઈ છે. લોકોમાં રોષ જોવા મળ્યો છે. નગરપાલિકા દ્વારા આ તાંત્રિકને પકડીને કાર્યવાહી કરવા માગ કરી છે.
ધોરાજીના સ્થાનિક લોકો દ્વારા સોનાપુરી સ્મશાન ગૃહમાં કોઈ યુવાન દ્વારા કોઈ પ્રકારની તાંત્રિક વિધિ કરતો હોય તેને લઈને અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. સ્થાનિક આગેવાન જયેશ લાખાણીએ આ અંગે જણાવ્યુ હતુ કે, ‘હાલના સમયમાં વિજ્ઞાન ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા કાયદો ઘડવામાં આવ્યો છે કે, તાંત્રિક વિધિ કરનારા પર કાયદેસર પગલાં લેવા અને આ સજાપાત્ર ગુનો છે. આવી તાંત્રિક વિધિને કોઈ આ આધુનિક યુગમાં જગ્યા જ નથી. આવા ધતિંગ બંધ થવા જોઈએ. ધોરાજી સોનાપુરી સ્મશાન ગૃહમાં જે લોકો યોગ્ય ધ્યાન નથી આપતા તેમની સામે પણ કડક પગલાં લેવા જોઈએ.’