January 23, 2025

દિલ્હી હાઇકોર્ટમાં અરવિંદ કેજરીવાલને ફટકો, જામીન પર લગાવ્યો સ્ટે

Delhi High Court: EDએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જામીન પર મુક્તિના આદેશોને દિલ્હી હાઇકોર્ટમાં પડકાર્યો છે. EDએ પોતાની એસએલપીમાં કહ્યું છે કે તપાસના મહત્વપૂર્ણ તબક્કે કેજરીવાલને જામીન આપી મુક્ત કરવાથી તપાસમાં અસર થઈ શકે છે. કારણ કે કેજરીવાલ મુખ્યમંત્રી જેવા મહત્વના પદ પર છે.

દિલ્હી લિકર પોલિસી સ્કેમમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લોઅર કોર્ટ માંથી મળેલ જામીન પર દિલ્હી હાઇકોર્ટ દ્વારા રોક લગાવી દેવામાં આવી છે. હાઇકોર્ટે આ કેસની સુનાવણી સુધી જામીન પર રોક લગાવી દીધી છે.

EDએ કેજરીવાલની જામીન પર મુક્તિના આદેશને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. EDએ પોતાની એસએલપીમાં કહ્યું છે કે તપાસના મહત્વપૂર્ણ તબક્કે કેજરીવાલને જામીન આપી મુક્ત કરવાથી તપાસમાં અસર થઈ શકે છે. કારણ કે કેજરીવાલ મુખ્યમંત્રી જેવા મહત્વના પદ પર છે. જેને લઈને હાઇકોર્ટે કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીની તે દલીલને ફગાવી દીધી જેમાં તેમણે કહ્યું હતું કે અરજી પર સુનાવણીની જરૂરિયાત નથી. આ દરમિયાન જસ્ટિસ સુધીર જૈને કહ્યું હતું કે જ્યાં સુધી હાઇકોર્ટમાં સુનાવણી નહી થાય ત્યાં સુધી લોઅર કોર્ટના આદેશ પર અમલ નહી થાય.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે ગુરુવારે જ અરવિંદ કેજરીવાલને લોઅર કોર્ટ માંથી જામીન મળ્યા હતા. જેના વિરોધમાં EDએ દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી હતી.

જણાવી દઈએ કે આ કેસમાં જસ્ટિસ સુધીર કુમાર જૈન અને રવિંદર ડુડેજાની વેકેશન બેન્ચ સુનાવણી કરી રહી છે. ED તરફથી રજૂ થયેલ વકીલે કહ્યું હતું કે લોઅર કોર્ટમાં અમને આ મામલે ચર્ચા કરવાનો પૂરતો સમય નહોતો આપવામાં આવ્યો.

ASG રાજૂએ કહ્યું હતું કે અમને લેખિતમાં જવાબ દાખલ કરવાનો પણ સમય નહોતો આપવામાં આવ્યો. જે બિલકુલ યોગ્ય નથી. EDએ PMLAની કલમ 45નો હવાલો આપ્યો હતો. ASG રાજૂએ કહ્યું હતું કે અમારો કેસ ખૂબ જ મજબૂત છે. તેમણે સિંઘવીની હાજરીનો પણ વિરોધ કર્યો હતો. આ પહેલા EDના વકીલે આજે કોર્ટમાં જલ્દી સુનાવણી કરવાની માંગ કરી હતી. ED તરફથી ASG રાજૂ અને વકીલ જોએબ હુસૈન હાઇકોર્ટમાં હાજર રહ્યા હતા. દિલ્હી હાઇકોર્ટમાં કેજરીવાલ તરફથી અભિષેક મનુ સિંઘવી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર રહ્યા હતા.