December 18, 2024

પીઠડીયા ટોલ પ્લાઝાને લઈને વિવાદ, જેતપુર ચેમ્બર્સ અને ડાઇંગ એસોસિએશને કર્યો વિરોધ

ધ્રુવ મારુ, જેતપુર: જેતપુરથી રાજકોટ વચ્ચે હાલ સીક્સ લેનરોડની કામગીરી ચાલુ છે જેના કારણે ઠેરઠેર સિંગલ પટ્ટીના અને તે પણ ખાડા ખબળાવાળો રોડ હોય તેના પરથી વાહન ચાલકોને પસાર થવું પડે છે. તો, હાલમાં ટોલ બુથ જ બંધ હોવું જોઈએ તેના બદલે ટોલ ટેક્ષમાં વધારો કરવામાં આવ્યો છે. જ્યારે, જેતપુર ચેમ્બર્સ અને ડાઇંગ એસોસિએશન દ્વારા તો પીઠડીયા ટોલ પ્લાઝા નિયમ વિરુદ્ધ હોય તેને કાઢી નાખવાની માંગ કરી હતી અને માંગ પુરી ન થાય તો આંદોલનની ચીમકી આપી હતી.

રાજકોટથી ઉપલેટા જવા માટે વાહનચાલકોને પસાર થવા માટે અધધ ત્રણ ત્રણ ટોલ પ્લાઝા પસાર કરવા પડે છે. ત્યારે, રાજકોટથી ઉપલેટાના અંદાજે 100 કિલોમીટર રેન્જમાં ત્રણ ટોલ આવતા હોઈ વાહન ચાલકો મુસીબતમાં મુકાયા છે અને વાહનચાલકોની માગ છે કે એક ટોલ ગેટ હોઈ તો સારૂ. ઉપલેટા પાસે આવેલ ડુમયાણી ટોલપ્લાઝાએ તો 90 રૂપિયા જેટલો બમણો ટોલ છે અને પીઠડીયા ટોલ ગેટ 5 રૂપિયાનો વધારો થતા 50 રૂપિયા થઈ ગયો છે અને ભરૂડી ટોલ ભરવાનો તો એકજ ટૂંકા અંતરમાં ત્રણ ટોલ પ્લાઝા કેવી રીતે પોસાય તો સરકાર દ્વારા એક ટોલ ગેટ કરી દેવા માંગ ઉઠી રહી છે.

જેતપુર થી રાજકોટ વચ્ચે ચાર લેઇનનો રોડ હતો તેમાં ટ્રાફિકજામ થતો હોવાથી કેન્દ્ર સરકાર દ્વારા 6 ,લેઇનનો રોડ બનાવવામાં આવી રહ્યો છે. જેતપુરથી રાજકોટ વચ્ચે રોડનું કામ ચાલુ હોય ઠેરઠેર રોડ ખોદીને નવો બનાવતા વાહન ચાલકોને સિંગલ પટ્ટીના રોડ પર જ ચાલવું પડે છે. એટલે હાલ 4 લેન રોડ હયાત નથી અને 6 લેન રોડ બન્યો નથી. ત્યારે ટોલ ટેક્ષ જ વસુલવો ન જોઈએ તેને બદલે પીઠડીયા અને ભરૂડી બંને ટોલ પ્લાઝાએ ટોલ ટેક્ષના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

આ અંગે વાહન ચાલકો તો ટોલ ટેક્ષના ભાવ વધારાનો વિરોધ કરે જ છે પરંતુ વેપારીઓની સંસ્થા એવી જેતપુર ચેમ્બર્સ ઓફ કોમર્સના ઉપપ્રમુખ રમેશભાઈ ખાચરિયાએ જણાવેલ કે, હાલમાં 6 લેન રોડનું કામ ચાલુ છે ત્યારે ટોલ ટેક્ષના ભાવ વધારો ગેરકાયદેસર છે અને અમો તો પીઠડીયા ટોલ પ્લાઝા અહીં હોવું જ ન જોઈએ કેમ કે તે નિયમ વિરુદ્ધ છે 36 કિમીમાં બે ટોલ પ્લાઝા આવે છે એટલે અમારે તો પીઠડીયા ટોલ નાકુ કાઢી નાખવું જોઈએ તેવી જ પેલા પણ માંગ હતી અને ટોલ બનિયો ત્યારે પણ વિરોધ કર્યો હતો અને અત્યારે પણ તે જ માંગ છે અને આ માટે જરૂર પડશે તો અમે અનશન આંદોલન પણ કરશું.

જ્યારે જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસિએશનના પ્રમુખ જેન્તીભાઈ રામોલિયાએ જણાવેલ કે, જેતપુર ઔદ્યોગિક શહેર છે અહીં દરરોજ હજારો વાહનો અવરજવર કરતા હોય છે. અને તેઓને બંને વખતે ટોલ ટેક્ષ ચૂકવવો પડે છે એક તો પીઠડીયા ટોલ પ્લાઝા નિયમ વિરુદ્ધ છે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી 60 કિમીના અંતરમાં બે ટોલ પ્લાઝા હશે તો નાબૂદ કરાશે તેવું નિવેદન આપેલ અને પીઠડીયા ભરૂડી બે ટોલ પ્લાઝા વચ્ચે તો 36 કિમીનું જ અંતર છે જેથી પીઠડીયા ટોલ પ્લાઝા રદ થશે તેવું 3 વર્ષ પૂર્વે અમે સાંભળ્યું હતું તે સાંભળીને અમો તો ખુશ થઈ ગયેલ પરંતુ પીઠડીયા ટોલ પ્લાઝા તો બંધ જ ન થયું. અમારી તો માંગ પીઠડીયા ટોલ પ્લાઝા બંધ કરવાની હતી તેના બદલે અહીં તો ભાવ વધારો કરવામાં આવ્યો એક બાજુ સિંગલ પટ્ટીનો રોડ રાજકોટના 75 કિમીના અંતર સુધી પહોંચતા પણ 3 કલાક જેટલો અત્યારે સમય લાગે છે ઠેરઠેર સિંગલ પટ્ટીના રોડને કારણે ટ્રાફિકજામમાં ફસાવવું પડે છે. અમો તો જે તે વખતે અહીં ટોલ પ્લાઝા બનતું હતું ત્યારે જ તેનો વિરોધ કરેલ પરંતુ અમારું ન ચાલ્યું હવે અમો પીઠડીયા ટોલ પ્લાઝા રદ કરાવવા વેપારીઓને સાથે રાખી ગાંધીનગર, દિલ્હી જ્યાં જવું પડશે ત્યાં જશું. મુંબઈમાં તો શિંદે સરકારે મુંબઈમાં પ્રવેશવાના ટોલ પ્લાઝા રદ કર્યા તો અહીં કેમ ન થઈ શકે. તમામ વાયદા જાહેરાતો ચૂંટણી લક્ષી જ હોય છે.હકીકતે રાજકોટ થી ઉપલેટા ના ટૂંકા અંતર માં ત્રણ ટોલ ગેટ છે તે બંધ થઈ એકજ હોવું જોઈએ અને મોંઘવારી માં લોકો નું પણ ધ્યાન રાખવું જોઈએ તેમ જેતપુર ડાઇગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિઅનના પ્રમુખ પણ જણાવ્યું હતું.