December 22, 2024

જાણીતા કોન્ટ્રાકટર પરિવારમાં વિવાદ, 67 લાખની લોન ભરપાઈ ન કરતાં મિલકત થશે ટાંચ

અમિત રૂપાપરા, સુરત: સુરતના જાણીતા અને મોટું નામ ધરાવતા લાલભાઈ કોન્ટ્રાક્ટર પરિવારનો વિવાદ સામે આવ્યો છે. પરિવારના સભ્ય કનૈયા લાલ કોન્ટ્રાકટર પર આરોપ છે કે તેમના જ ભાઈ, ભાભી અને માતાના નામનો બોગસ પાવર ઓફ એટર્ની બનાવી પેઢીની ઓફિસ પર 2.92 કરોડની લોન લેવામાં આવી છે. જે લોનના બાકી નીકળતા 67 લાખની ભરપાઈ નહીં કરતા ફાયનાન્સ કંપનીએ રિકવરી માટે મિલકત ટાંચમાં લેવા નોટિસ પાઠવી છે. જે નોટિસ આવતાની સાથે જ પરિવારના સભ્યો ચોંકી ઉઠ્યા અને આ મામલે આર્થિક ગુન્હા નિવારણ શાખા ઇકો શેલમાં ફરિયાદ આપતા પોલીસે ગુન્હો નોધી તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે ફરિયાદી નયનાબેનના પતી હેમંત કોન્ટ્રાકટરનું હાર્ટ એટેકના કારણે મોત થયા બાદ પરિવારના સભ્યોને ધાકધમકીઓ આપવામાં આવતી હોવાના આક્ષેપ પણ કરાયા છે.

સુરતમાં લાલભાઈ કોન્ટ્રાકટર પરિવાર શહેરમાં મોટું નામ ધરાવે છે. શહેરમાં જાણીતા લાલભાઈ કોન્ટ્રાકટર પરિવારનો વિવાદ સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકે પોહચ્યો છે. જ્યાં પરિવારના જ સભ્ય દ્વારા ભાઈ, ભાભી અને માતાના નામે બોગસ પાવર ઓફ એટર્ની બનાવી પેઢીની ઓફિસ પર 2.92 કરોડની ફાયનાન્સ કંપનીમાંથી લોન મેળવવામાં આવી હતી. જે અંગેની ફરિયાદ ઇકો સેલમાં નોંધાઈ છે.સ્વર્ગવાસ હેમંત કોન્ટ્રાકટરના પત્ની નયનાબેન કોન્ટ્રાકટર દ્વારા પોતાના જેઠ કનૈયાલાલ કોન્ટ્રાકટર સામે ઇકો સેલમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

નયનાબેન કોન્ટ્રાક્ટર દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, સુરતના ઘોડ દોડ રોડ સ્થિત તેમની RDS પેઢી આવેલી છે. જે પેઢીમાં તેમના સ્વર્ગવાસ પતી હેમંત કોન્ટ્રાકટર, તેમના જેઠ કનૈયાલાલ કોન્ટ્રાકટર, માતાનું નામ શામેલ છે. નયનાબેન કોન્ટ્રાકટરના પતી હેમંત કોન્ટ્રાકટર નું હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું હતું. જે બાદ કનૈયાલાલ કોન્ટ્રાકટર દ્વારા માતા,ભાઈ અને તેમના નામનો બોગસ પાવર ઓફ એટર્ની બનાવી ઘોડ દોડ રોડ સ્થિત પેઢીની ઓફિસ પર 2.92 કરોડની બજાજ ફાયનાન્સમાંથી લોન મેળવવામાં આવી હતી. જે લોનના બાકી નીકળતા 67 લાખ ની રકમ ભરપાઇ ન કરતા રિકવરીનો નોટિસ આવી હતી. નોટિસ આવતા જ આ બાબતની જાણ નયનાબેન ને થઈ હતી. જ્યાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, તેમના જ જેઠ દ્વારા તેમનો અને તેમના સ્વર્ગવાસ પતિ સહિત માતાની બોગસ સહી કરી પાવર ઓફ એટર્ની બનાવવામાં આવી હતી.

વર્ષ 2021માં આ બાબતની જાણ નયનાબેન અને તેમના પરિવારને થઈ હતી.જ્યાં જે તે સમયે ઘરના મોટા સભ્ય હોવાથી વાટાઘાટથી સમસ્યાનું સમાધાન લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ પતી હેમંત ભાઈ કોન્ટ્રાકટરના સ્વર્ગવાસ પછી કનૈયાલાલ દ્વારા દબાણ બનાવવાનો પ્રયાસ શરૂ કરાયો હતો. તેવા આક્ષેપ નયનાબેન દ્વારા ઇકો શેલમાં નોંધાવવામાં આવેલ ફરિયાદમાં જણાવી હતી. ત્યાં સુધી કે ઘરની બે દીકરીઓ ને પણ ક્રિકેટ એસોસિયેશનની ખુરશી છોડી દેવા માટે દબાણ કરી રૂપિયા 25 કરોડની માંગણી કરવામાં આવી હતી. જ્યાં નયનાબેન દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના પગલે આર્થિક ગુન્હા નિવારણ શાખા દ્વારા ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે. પરિવારે આક્ષેપ કર્યો છે કે કનૈયાલાલ દ્વારા ઘરના સભ્ય હેમંત કોન્ટ્રાક્ટરની વારંવાર રૂપિયા માટે તોરચરિંગ કરવામાં આવતું હતું.જેના કારણે તેઓ હંમેશા ચિંતામાં રહેતા હતા. જેના કારણે તેઓનું મોત થયું છે. જ્યાં પરિવારની આંખો પણ ભીની થઇ આવી છે.

લાલભાઈ કોન્ટ્રાકટર પરિવાર સુરતમાં એક મોટું નામ ધરાવે છે. શહેરમાં જાણીતા આ પરિવારમાં મિલકતને લઈ વિવાદ ઊભો થયો છે. ઘરના જ મોભી કનૈયાલાલ કોન્ટ્રાકટર સામે સ્વર્ગવાસ હેમંત કોન્ટ્રાકટર માં પત્ની નયનાબેન દ્વારા ગંભીર આક્ષેપ સાથેની ફરિયાદ ઇકો સેલમાં નોંધાવી છે. જે શહેરભરમાં હાલ ચર્ચાનો વિષય બન્યો છે. કનૈયાલાલ કોન્ટ્રાક્ટર દ્વારા હેમંતભાઈ કોન્ટ્રાક્ટર પાસેથી ક્રિકેટ એસોસિએશનની ખુરશી બચાવવા પેટે 25 કરોડની માગણી કરવામાં આવી હતી આ બાબતે પરિવારે મીડિયા સમક્ષ આક્ષેપ કર્યો હતો પરંતુ પોલીસ ફરિયાદમાં આ વાતનો ઉલ્લેખ પરિવારે ન કર્યો હોવાની વાત ઇકોસેલના એસીપી દ્વારા જણાવવામાં આવી હતી. માત્ર બોગસ પુરાવાઓના આધારે મિલકત પર કબજો લઈ લોન લીધી હોવા બાબતે ફરિયાદ નોંધાય હોવાનું પોલીસે જણાવ્યું છે.