May 2, 2024

કોંગ્રેસે પ્રથમ ઉમેદવારોની યાદી જાહેર કરી, વાયનાડથી રાહુલ ગાંધીનું નામ ફાઈનલ

Congress Candidates List 2024: લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. નોંધનીય છે કે 7 માર્ચે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઇ હતી, જેમાં ઘણા મોટા નામો નક્કી કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે શુક્રવારે (8 માર્ચ) પ્રથમ ઉમેદવારોની યાદી જાહેર કરીને આને મંજૂરી આપી દીધી છે. કોંગ્રેસના રાહુલ ગાંધીને કેરળની વાયનાડ લોકસભા સીટ પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

કોંગ્રેસની પ્રથમ યાદીમાં 39 નામ સામે આવ્યા છે. જેમાં છત્તીસગઢમાંથી છ, કર્ણાટકમાંથી સાત, કેરળમાંથી 16, લક્ષદ્વીપમાંથી એક, મેઘાલયમાંથી બે, નાગાલેન્ડમાંથી એક, સિક્કિમમાંથી એક, તેલંગાણામાંથી ચાર અને ત્રિપુરામાંથી એક ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. કોંગ્રેસની પ્રથમ જાહેર કરેલી યાદીમાં વાયનાડથી રાહુલ ગાંધી, તિરુવનંતપુરમથી શશિ થરૂર, અલપ્પુઝાથી કેસી વેણુગોપાલ, રાજનાંદગાંવથી ભૂપેશ બઘેલ, મેઘાલયના વિન્સેન્ટ પાલા અને ત્રિપુરા પશ્ચિમથી આશિષ સાહાના નામ સામે આવ્યા છે. કોંગ્રેસના 39 ઉમેદવારોની આ પ્રથમ યાદીમાં 15 ઉમેદવારો સામાન્ય વર્ગના છે, જ્યારે 24 ઉમેદવારો પછાત, દલિત, આદિવાસી અને લઘુમતી સમુદાયના છે.

કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદીમાં અન્ય કોને સ્થાન મળ્યું?
કોંગ્રેસે પ્રથમ યાદીમાં છત્તીસગઢથી વધુ ઉમેદવારો ઉભા રાખ્યા છે. જેમાં જાંજગીરથી શિવ દાહરિયા, કોરબાથી જ્યોત્સના મહંત, દુર્ગથી રાજેન્દ્ર સાહુ, રાયપુરથી વિકાસ ઉપાધ્યાય અને મહાસમુંદથી તામ્રધ્વજ સાહુને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.