May 9, 2024

કોરોનામાં મૃત્યુના કેસમાં મળતું વળતર કોઈ ઈનામ નથી: હાઈકોર્ટ

અમદાવાદ: બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે, કોરોનાના કારણે મૃત્યુના કેસમાં વળતર એ ઈનામ નથી. આ ટિપ્પણી કરતાં હાઈકોર્ટે વિધવા મહિલાની અરજી ફગાવી દીધી હતી. હકીકતમાં મહિલાના પતિનું મોત કોરોના મહામારી દરમિયાન થયું હતું. મહિલાનો પતિ હેન્ડપંપ હેલ્પર હતો અને મહિલા તેના પતિના મૃત્યુ માટે સરકાર પાસે વળતરની માંગ કરી રહી હતી.

શું છે સમગ્ર મામલો?
મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાના રહેવાસી કંચન હમશેટેએ હાઈકોર્ટમાં અરજી કરી પતિના મૃત્યુ માટે વળતરની માંગણી કરી હતી. મહિલાએ અરજીમાં જણાવ્યું હતું કે, એપ્રિલ 2021માં તેના પતિનું અવસાન થયું હતું અને તે આવશ્યક સેવાઓ હેઠળ કામ કરી રહ્યો હતો. મહિલાએ દાવો કર્યો કે તેમના પતિને રાજ્ય સરકાર દ્વારા જ તૈનાત કરવામાં આવ્યા હતા, પરંતુ તે કોરોનાથી સંક્રમિત થઈ ગયો અને તેમનું મૃત્યુ થયું. મહિલાએ હાઈકોર્ટમાં માંગ કરી હતી કે કોર્ટે રાજ્ય સરકારને તેમની વળતરની માંગ પર વિચાર કરવાનો આદેશ આપે.

આ પણ વાંચો: સુરેન્દ્રનગર જિલ્લાના સોમા પટેલે ભાજપનો બીજી વાર ખેસ ધારણ કર્યો

હાઈકોર્ટે અરજી ફગાવી દીધી
બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચે અરજી ફગાવી દીધી હતી. જસ્ટિસ રવીન્દ્ર ઘુગે અને જસ્ટિસ આરએમ જોશીની ડિવિઝન બેંચે કહ્યું કે મહારાષ્ટ્ર સરકારે 50 લાખ રૂપિયાના વળતરની માંગ કરતી મહિલાની અરજીને ફગાવી દેવામાં ખોટું નથી. કોર્ટે કહ્યું કે આમાં કોઈ ચર્ચા નથી કે આવા મામલાઓને સંવેદનશીલતાથી બંધ થવા જોઈએ, પરંતુ બીજી તરફ એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે જેઓ વળતર તરીકે 50 લાખ રૂપિયા મળવાના હકદાર નથી, તેમને આ રકમ ન આપવામાં આવે. તેમને ઈનામ તરીકે આપી શકાય નહીં. જો આવા મામલાઓમાં બેદરકારીપૂર્વક કાર્યવાહી કરવામાં આવે તો અયોગ્ય લોકોને કરદાતાઓના નાણાંમાંથી 50 લાખ રૂપિયાનું વળતર  મળશે.

મહત્વનું છે કે, કોરોના રોગચાળા દરમિયાન મહારાષ્ટ્ર સરકારે આવશ્યક ફરજ પર રોકાયેલા કર્મચારીઓને 50 લાખ રૂપિયાનો અકસ્માત વીમો આપવાની જાહેરાત કરી હતી. આ અકસ્માત વીમો માત્ર એવા લોકોને જ આપવામાં આવ્યો હતો. જેઓ કોરોના દરમિયાન સર્વેક્ષણ, ટ્રેસિંગ, ટ્રેકિંગ, પરીક્ષણ અને સારવાર વગેરે જેવી સક્રિય ફરજમાં રોકાયેલા હતા.