May 9, 2024

ચૈત્રી પૂનમને લઈને ચોટીલા જતા માર્ગો પદયાત્રીઓથી ઉભરાયાં, ઠેર-ઠેર સેવા કેમ્પનું આયોજન

Chitra poonam chotila chamunda mataji darshan padyatri

વિજય ભટ્ટ, સુરેન્દ્રનગરઃ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં આવેલા મા ચામુંડાના ચૈત્રી પૂનમે દર્શન કરવાનું અનેરૂં મહત્વ રહેલું છે. ત્યારે સમગ્ર રાજ્યમાંથી હાલ પદયાત્રીઓ પગપાળ ચોટીલા તરફ જઇ રહ્યા છે અને સુરેન્દ્રનગર જિલ્લાના માર્ગો પદયાત્રીઓથી ઉભરાઈ રહ્યા છે. આ સાથે ઠેર ઠેર પદયાત્રીઓની સેવા માટેના કેમ્પ પણ ધમધમી ઉઠ્યાં છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા ખાતે ડુંગર પર બિરાજતા મા ચામુંડા લાખો લાકોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. ત્યારે ચૈત્રી પૂનમે મા ચામુંડાના દર્શનાર્થે હજારો શ્રધ્ધાળુઓ ઉમટી પડે છે. ચૈત્રી પૂનમે ખાસ કરીને સમગ્ર રાજ્યમાંથી પગપાળા સંઘ માતાજીના દર્શનાર્થે આવતા હોય છે. જેમાં ખાસ કરીને મહેસાણા, ગાંધીનગર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.

ચૈત્રી પૂનમે મા ચામુંડાના દર્શનાર્થે હજારો પદયાત્રીઓ ઉમટી પડે છે. સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા તમામ માર્ગો પર પદયાત્રીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. જેમાં નાના બાળકોથી લઇ વૃદ્ધો પણ ધોમધખતા તાપમાં પગપાળા ચાલતા નજરે પડે છે. મા ચામુંડા દરેકની વ્યક્તિની મનોકામના પૂર્ણ કરતા હોવાની ભાવિકોની શ્રદ્ધા છે અને એટલે જ દર વર્ષે હજારોની સંખ્યામાં પદયાત્રીઓ ચોટીલા મા ચામુંડાના ચરણોમાં શીશ ઝૂકાવવા આવે છે અને પદયાત્રીઓની સેવા માટે સુરેન્દ્રનગર જિલ્લામાં હાઇવે પર ઠેર ઠેર ચા પાણી, નાસ્તો, જમવાનું, દવા તેમજ આરામ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે. આ ઉપરાંત રસ્તામાં પણ અલગ અલગ વાહનો દ્વારા પદયાત્રીઓને ઠંડા પાણી, છાસ તેમજ ફ્રૂટ સહિતની સેવા સેવાભાવીઓ દ્વારા પૂરી પાડવામાં આવે છે.

કહેવાય છે હોય શ્રદ્ધાનો વિષય તો પુરાવાઓની જરૂર હોતી નથી. આવી શ્રદ્ધા સાથે જ દર વર્ષે ચૈત્રી પૂનમે મા ચામુંડાના દર્શન કરવા હજારો પદયાત્રીઓ ઉમટી પડે છે અને આટલી મોટી સંખ્યામાં ઉમટી પડે છે. પરંતુ કોઈપણ પદયાત્રીને કોઈ તકલીફ નથી પડતી કે કોઈ અનિચ્છનીય કે, અકસ્માતનો બનાવ નથી બનતો. જેમાં ચામુંડાની કૃપા જ હોવાની પદયાત્રીની શ્રદ્ધા છે અને આ શ્રદ્ધા સાથે ચૈત્રી પૂનમ સુધીમાં અદાજે પાંચ લાખ લોકોમાં ચામુંડાના ચરણોમાં શીશ ઝૂકાવશે.