January 23, 2025

ખાનગી ઉદ્યોગોમાં પ્રાદેશિક ભાષાના લોકોના અનામતને લઈને ઘેરાયા મુખ્યમંત્રી, હવે કરી ચોખવટ

Karnataka: કર્ણાટકમાં કન્નડ લોકોને ખાનગી કંપનીઓમાં નોકરી માટે અનામત આપતા વિધેયકને લઈને શરૂ થયેલો વિવાદ વધુ ઘેરાયો છે. સ્વયં, મુખ્યમંત્રી સિદ્ધારમૈયા આ મુદ્દે ઘેરાઈ રહ્યા છે. વાસ્તવમાં, તેમણે આ પહેલા એક ટ્વિટ કરીને ખાનગી ઉદ્યોગોમાં C અને D શ્રેણીમાં 100 ટકા પોસ્ટ પર કન્નડીગા (કન્નડ ભાષી) લોકો માટે આરક્ષિત રાખવાની વાત કહી હતી. જેને લઈને વિવાદ સર્જાતાં તેમણે પોતાનું ટ્વિટ ડિલીટ કરીને નવું ટ્વિટ કર્યું.

પોતાના ટ્વિટમાં મુખ્યમંત્રીએ લખ્યું કે સોમવારે થેયલ કેબિનેટ બેઠકમાં રાજ્યના ખાનગી ઉદ્યોગો અને અન્ય સંગઠનોમાં કન્નડ લોકો માટે વહીવટી જગ્યાઓ માટે 50% અને બિન-વહીવટી પદો માટે 75% અનામત રાખવાના બિલને મંજૂરી આપી દીધી છે. સરકારની ઈચ્છા છે કે કન્નડ લોકોને તેમની ધરતી પર જ નોકરીથી વંચિત ન થવું પડે અને તેમને માતૃભૂમિમાં આરામદાયક જીવન જીવવાનો અવસર મળે. અમે કન્નડ સમર્થક સરકાર છીએ. અમારી પ્રાથમિકતા કન્નડ લોકોના કલ્યાણનું ધ્યાન રાખવાનું છે.

શું છે સમગ્ર વિવાદ?
વાસ્તવમાં, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ એક દિવસ પહેલા જ કહ્યું હતું કે કર્ણાટક કેબિનેટે રાજ્યના તમામ ખાનગી ઉદ્યોગોમાં ‘C અને D’ શ્રેણીની પોસ્ટ માટે 100 ટકા કન્નડીગા (કન્નડ ભાષી) લોકોની ભરતી ફરજિયાત બનાવતા બિલને મંજૂરી આપી છે. તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકારની પ્રાથમિકતા કન્નડ લોકોના કલ્યાણની દેખરેખ રાખવાની છે. આ બિલનો ઉદ્યોગપતિઓથી લઈને વિપક્ષો સુધી તમામે વિરોધ કર્યો હતો. બાદમાં મુખ્યમંત્રીએ બુધવારે પોતાનું ટ્વિટ ડિલીટ કરી દીધું.

અનેક ઉદ્યોગપતિઓ નોંધાવ્યો હતો વિરોધ
આ પહેલા બુધવારે ઘણા ઉદ્યોગપતિઓએ આ બિલ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે બિલ ભેદભાવપૂર્ણ છે અને આશંકા વ્યક્ત કરી હતી કે તેને કારણે ટેક ઉદ્યોગને નુકસાન થઈ શકે છે. મણિપાલ ગ્લોબલ એજ્યુકેશન સર્વિસિસના પ્રમુખ મોહનદાસ પઈએ કહ્યું કે આ બિલ ફાસીવાદી અને ગેરબંધારણીય છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે આ બિલને રદ્દ કરી દેવું જોઈએ. આ ભેદભાવપૂર્ણ અને બંધારણ વિરુદ્ધ છે. તો સાથે સાથે પઈએ કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશને ટેગ કરતાં સવાલ કર્યો છે કે શું સરકાર સિદ્ધ કરવા માંગે છે કે આપણે કોણ છીએ? આ એનિમલ ફાર્મ જેવુ ફાસીવાદી બિલ છે. અમે વિચારી પણ નથી શકતા કે કોંગ્રેસ આ પ્રકારનું બિલ લઈને આવી શકે છે. શું એક સરકારી અધિકારી ખાનગી ક્ષેત્રની ભરતી સમિતિમાં બિરાજાશે? લોકોએ ભાષાની પરીક્ષા આપવી પડશે?