November 7, 2024

ઉબખલ ગામના ખેડૂતો માથે આફત, ખેતરો જળબંબાકાર થતાં પાક નિષ્ફળ

કમલેશ રાવલ, મહેસાણા: મહેસાણા જિલ્લામાં ચાલુ વર્ષે વિજાપુર તાલુકા મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે અને તેના કારણે અનેક ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. એમાં પણ વિજાપુર તાલુકાના ઉબખલ ગામના 70થી વધુ ખેડૂતોની 500 વિઘાથી વધુ જમીનમાં વાવેતર કરેલા પાક પર પાણી ફરી વળ્યાં છે.

વરસાદ બંધ થયાને બે દિવસ વીત્યા બાદ પણ અનેક ખેડૂતોના ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ઉબખલ ગામના ખેડૂતોના ખેતરોમાં કપાસ, દિવેલા, મગફળી, શાકભાજી સાથે ઘાસચારાનું વાવેતર કરેલું છે અને આ ઉભા પાકમાં વરસાદી પાણી ભરાઈ જતા ઉભો પાક સંપૂર્ણ નિષ્ફળ જાય એવી સ્થિતિ સર્જાઈ છે.

આમ, વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકશાન થયું છે. તો, જમીનને પણ મોટું નુકશાન થઈ રહ્યું છે. તો બીજી બાજુ દિવાળી સુધી ખેતરોમાં પાણી ભરાઈ રહેવાની સંભાવનાના કારણે રવિ પાકનું વાવેતર કરવું મુશ્કેલ બની શકવાની શક્યતાઓ સેવાઇ રહી છે. જેને લઈને ઉબખલ ગામનના ખેડૂતોએ વળતરની માંગ કરી છે.