January 23, 2025

ભાજપે મમતા બેનર્જીનું માંગ્યું રાજીનામું, CM આવાસ સુધી કેન્ડલ માર્ચ કાઢવામાં આવશે

Kolkata Doctor Murder: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં મહિલા ડૉક્ટર સાથે બળાત્કાર અને હત્યાનો મામલો દેશભરમાં ચર્ચાઈ રહ્યો છે. દરમિયાન, ભારતીય જનતા પાર્ટીએ જાહેરાત કરી છે કે પાર્ટીની મહિલા શાખા મુખ્યમંત્રી મમતા બેનર્જીના નિવાસસ્થાને કેન્ડલ લાઇટ માર્ચ કાઢશે. આરજી કાર મેડિકલ કોલેજમાં બનેલી ઘટનાને લઈને ભાજપે સીએમ મમતા બેનર્જીના રાજીનામાની માંગ કરી છે.

પશ્ચિમ બંગાળના બીજેપી અધ્યક્ષ સુકાંત મજુમદારનું કહેવું છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે તૂટી ગઈ છે. તેમણે એમ પણ કહ્યું કે ભાજપ આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ સામે પણ વિરોધ પ્રદર્શન કરશે. તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે આરજી કાર હોસ્પિટલમાં એક મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. રાજ્યમાં આનો ભારે વિરોધ થઈ રહ્યો છે.

સુકાંત મજુમદારે કહ્યું કે ભાજપની મહિલા શાખા શુક્રવારે દક્ષિણ કોલકાતામાં કાલીઘાટ સ્થિત મમતા બેનર્જીના નિવાસસ્થાને મીણબત્તી પ્રગટાવી સરઘસ કાઢશે. મજમુદારે વધુમાં કહ્યું કે, ભાજપ શુક્રવારથી રાજ્યભરમાં અલગ-અલગ સ્થળોએ વિરોધ પ્રદર્શન કરશે. તેમણે કહ્યું કે જે જગ્યાએ જુનિયર ડોકટરો વિરોધ કરી રહ્યા છે, વિરોધ કરનારાઓને ભાજપના કાર્યકરો દ્વારા સમર્થન આપવામાં આવશે. મજમુદારે કહ્યું, ‘મહિલા ડૉક્ટરની હત્યાના વિરોધમાં અમે મમતા બેનર્જીના નિવાસસ્થાને મીણબત્તી સરઘસ કાઢીશું.’

નોંધનીય છે કે, ગયા અઠવાડિયે શુક્રવારે કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સેમિનાર હોલમાં મહિલા ડૉક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસનું કહેવું છે કે મહિલા ડોક્ટર પર બળાત્કાર કરીને તેની હત્યા કરવામાં આવી હતી. ત્યારથી રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. બીજી તરફ આ કેસની તપાસ સીબીઆઈએ સંભાળી લીધી છે.