December 22, 2024

વાવ બેઠક પર ઉમેદવાર ફિક્સ હતો, કોંગ્રેસના નેતાઓ લાગણી સાથે રમ્યાઃ ઠાકરશી રબારી

બનાસકાંઠાઃ વાવ બેઠક પર પેટાચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે કોંગ્રેસ અને ભાજપ પક્ષ આ બેઠક જીતવા માટે એડીચોટીનું જોર લગાવશે. કોંગ્રેસના ગેનીબેન ઠાકોર આ બેઠક પરથી જીત્યા હતા. ત્યારબાદ લોકસભામાં બનાસકાંઠા બેઠક પરથી તેઓ જીતતા વાવ વિધાનસભા બેઠક ખાલી થઈ હતી. ત્યારે ચૂંટણીપંચે અહીં પેટાચૂંટણી યોજવાની જાહેરાત કરી છે.

વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કોંગ્રેસ નેતા ઠાકરશી રબારીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યુ છે કે, ‘બે મહિનાથી ઉમેદવાર ફિક્સ હતો છતાં પણ કોંગ્રેસ અન્ય લોકોને રમાડી રહી હતી. કોંગ્રેસમાં ફિક્સિંગ ચાલી રહ્યું છે. ઉમેદવાર ફિક્સ હતો છતાં કોંગ્રેસના નેતાઓ લાગણીઓ સાથે રમ્યા છે.

ઉલ્લેખનીય છે કે, વાવ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના જિલ્લા પ્રમુખે ડમી ફોર્મ ભરવાનું કહ્યું હતું. ત્યારે હવે તેમણે ફોર્મ ભરવાની ના પાડી દીધી છે. તેમણે કહ્યુ છે કે, ઉમેદવાર ફિક્સ છે તો ફોર્મ ભરવાનો કોઈ મતલબ નથી. જ્યાં ઉમેદવાર ફિક્સ હોય ત્યાં રમત રમવાની જરૂર નથી એટલે હવે તેઓ ફોર્મ ભરવાના નથી.