July 3, 2024

પાલનપુરમાં રોગચાળાએ માથું ઉંચક્યું, સિવિલમાં દર્દીઓનો રાફડો ફાટ્યો

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ જિલ્લામાં હવે ઉનાળો મધ્યમાં પહોંચ્યો છે અને તે વચ્ચે ગરમીનું તાપમાન દિવસે અને દિવસે વધતું જઈ રહ્યું છે. તેવામાં બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં રોગચાળાએ માથું ઊંચક્યું છે. શહેરના કોટ અંદરના વિસ્તારમાં તાવ, ઝાડા-ઉલટીના દર્દીઓનો રાફડો ફાટ્યો છે અને તેને જ કારણે પાલનપુરની સિવિલ દર્દીઓથી ઉભરાઈ છે.

ઉનાળો મધ્યમાં પહોંચ્યો છે તેવામાં ગરમીનો પારો દિવસે અને દિવસે વધતો જઈ રહ્યો છે, છતાં તો વધતી જઈ રહેલી ગરમીને કારણે લોકોને લૂ લાગે છે. પાલનપુરમાં રોગચાળાએ માથું ઊંચક્યું છે. પાલનપુરના કોટ અંદરના વિસ્તારમાં તાવ-શરદી, માથાનો દુખાવો, ઉલટી અને ઝાડાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. તેને જ કારણે સારવાર મેળવવા પાલનપુરની સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે.

મહત્વની વાત છે કે, પાલનપુર સિવિલમાં સામાન્ય દિવસોમાં નોંધાતી ઓપીડી સોળસોને પાર પહોંચી છે, તો પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ઝાડા-ઉલટીના કેસના 35થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આ સાથે જ બે દર્દીઓ એવા છે કે જે ખૂબ જ ગંભીર સ્થિતિમાં છે. જેમને આઈસીયુમાં ખસેડવામાં આવ્યા છે, તો સાથે જ ઝાડા-ઉલટીની બીમારીને કારણે એક વ્યક્તિનું મોત પણ ચૂક્યું છે. જો કે, આરોગ્ય વિભાગ દ્વારા પાણીના સેમ્પલ તો લેવાયા છે પરંતુ પ્રાથમિક દૃષ્ટિએ કોલેરાની દહેશત સતાવી રહી છે.

પાલનપુર શહેરના કોટ અંદરના વિસ્તારમાં એક તરફ રોગચાળો વકરી રહ્યો છે અને તેવામાં પણ પાલિકા તંત્રો દ્વારા યોગ્ય સફાઈ હાથના ધરાવતા લોકોમાં ભારે રોષ ભભૂક્યો છે. સ્થાનિકો વહેલી તકે તંત્ર જાગે અને કોટ અંદરના વિસ્તારને ગંદકીમુક્ત બનાવે તેવી માગ કરી રહ્યા છે.