કુરિવાજો સામે કડક પગલાં, દાંતીવાડાના ઝાત ગામે પુરોહિત સમાજની બેઠક
રતનસિંહ ઠાકોર, દાંતીવાડાઃ તાલુકાના ઝાત ગામે પુરોહિત સમાજે કુરિવાજોને તિલાજલિ આપી નવું બંધારણ.બનાવ્યું છે. ગામના વૈદ્ધનાથના મંદિરે સમાજના આગેવાનોએ એકત્ર થઈ કુરિવાજો દૂર કરી નવું બંધારણ બનાવવા માટે બેઠક યોજી હતી.
21મી સદીમાં અનેક સમાજ કુરિવાજોમાંથી બહાર આવીને નવા બંધારણ બનાવી રહ્યા છે. અનેક જૂના રિવાજોમાં ફેરફાર કરી અને હાલના સમયમાં ખર્ચાઓ કઈ રીતે ઘટાડી શકાય અને શિક્ષણમાં બાળકો માટે મદદરૂપ થઈ શકાય તે માટેના પ્રયત્નો હાથ ધર્યા છે. ત્યારે દાંતીવાડાના ઝાત ગામે કુરિવાજોને તિલાંજલી આપી પુરોહિત સમાજ નવું બંધારણ બનાવ્યું છે. પ્રસંગમાં સગા-વ્હાલા સિવાય ઓઢામણા ન કરવાનો નિયમ, સગા-વ્હાલા સિવાય પત્રિકા પણ ન આપવા, છોકરાના લગ્નમાં નોતર 50 રૂપિયાથી વધુ ન લેવા, પ્રસંગમાં ડીજે ન લાવવા સહિતના નવા બંધારણના નિયમો બનાવ્યા છે.
પુરોહિત સમાજ દ્વારા દાંતીવાડા પાથાવાડાના આજુબાજુના ગામડાનાં લોકોએ ભેગા થઈને બેઠક યોજી હતી અને આ બેઠકમાં સમાજમાંથી કુરિવાજો દૂર કરી અને નવા નિયમો બનાવવામાં આવ્યા હતા. જો કોઈ વ્યક્તિ પ્રસંગમાં ડી.જે લાવે તો ગામના લોકો જમણવારનો બહિષ્કાર કરશે.
ગામમાં લગ્નમાં ઘોડી ન લાવવા સહિત હલ્દી રસમ ન કરવાનો પણ નિર્ણય લેવાયો હતો. જે નિયમો બનાવવામાં આવ્યા છે તે નિયમોનું દરેક સમાજના લોકોએ પાલન કરવાનું રહેશે. જે લોકો આ નિયમોનું પાલન નહીં કરે તેમના પ્રસંગનો ગામલોકો બહિષ્કાર પણ કરશે. ક્યારે સમયની માગ સાથે હવે પુરોહિત સમાજ પણ કુરિવાજોમાંથી બહાર આવીને નવા નિયમો બનાવી રહ્યો છે અને ખર્ચ કઈ રીતે ઘટાડી શકાય અને શિક્ષણમાં જાગૃતિ કઈ રીતે લાવી શકાય શિક્ષણમાં બાળકોને કઈ રીતે મદદરૂપ થઈ શકાય તેને લઈને પણ અનેક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.