May 20, 2024

ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 માટે ચૂંટણી તંત્ર સંપૂર્ણ સુસજ્જ

ટ્વિન્કલ જાની, અમદાવાદ: ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી-2024ની જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની 05 બેઠકો માટેની પેટાચૂંટણી જાહેર કરાઇ છે. ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી  પી.ભારતીએ આજે ગાંધીનગરમાં પત્રકાર પરિષદમાં  જણાવ્યું હતું કે, ગુજરાત લોકસભાની ચૂંટણી 2024 માટે ચૂંટણી તંત્ર સંપૂર્ણ સુસજ્જ છે. મતદાર યાદી , ઈવીએમ અને મતદાન મથકોનું સંપૂર્ણ આયોજન થઈ ગયું છે. મતદાતાઓને મતદાન મથકે સુખદ અનુભવ થાય તે માટે વિશેષ આયોજનો કરાયુ છે. એટલું જ નહીં, યુવાનો અને વડીલો મતદાન માટે પ્રેરાય તે માટે વિશેષ પ્રયત્નો પણ કરાયા છે.
વધુમાં જણાવ્યુ હતુ કે આદર્શ આચારસંહિતાના ચુસ્ત પાલન માટે સમગ્ર રાજ્યમાં ચૂંટણી તંત્ર સજાગ છે.રાજ્યનો કોઈપણ નાગરીક કોઈપણ સ્થળેથી આદર્શ આચારસંહિતાના ભંગ અંગેની ઓનલાઈન ફરીયાદ કરી શકે તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા સી-વીજીલ(c-VIGIL) મોબાઈલ એપ તૈયાર કરવામાં આવી છે. આ પત્રકાર પરિષદમાં અધિક મુખ્ય નિર્વાચન અધિકારી કુલદીપ આર્ય, અધિક સચિવ પ્રકાશ પટણી, સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી એ.બી. પટેલ અને સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી પી.ડી.પલસાણા ઉપસ્થિત રહ્યાં હતાં.
ગુજરાતમાં કેટલા મતદારો છે ? જાણો
રાજ્યમાં કુલ 4,94,49,469 મતદારો નોંધાયા છે. જે પૈકી 2,39,78,243 મહિલા મતદારો અને, 2,54,69,723 પુરૂષ મતદારો છે. ગુજરાતમાં 1,503 જેટલા થર્ડ જેન્ડર (નાન્યતર) મતદારો નોંધાયા છે. 85 વર્ષથી વધુ વયના 4,24,162 મતદારો ગુજરાતની મતદાર યાદીમાં નોંધાયા છે. ગુજરાતમાં 10,322 મતદારો શતાયુ એટલે કે 100 વર્ષ કે તેથી વધુ વયના છે. કુલ મતદારો પૈકી 18થી 19 વર્ષની વય ધરાવતા 11,32,880 યુવા મતદારો આ લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરી શકશે.
ગુજરાતમાં કેવા પ્રકારના અને કેટલા ઈવીએમનો થશે ઉપયોગ?
ગુજરાત રાજ્યમાં લોકસભાની સામાન્ય ચૂંટણીના સંચાલન માટે દરેક જિલ્લામાં પૂરતા પ્રમાણમાં FLC OK EVM અને VVPAT ઉપલબ્ધ છે. જેમાં 87,042 BU,  71,682 CU  અને 80,308 VVPAT નો સમાવેશ થાય છે. EVM-VVPAT મશીનોનું 1st Randomization માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં સંબંધિત જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવશે. જેમાં વિધાનસભા મતવિસ્તાર મુજબ EVM-VVPAT મશીનોની ફાળવણી કરવામાં આવશે. તેમજ 2nd  Randomization હરીફ ઉમેદવારો તેમજ Observers ની ઉપસ્થિતિમાં ચૂંટણી અધિકારી દ્વારા મતદાન મથક પ્રમાણે કરવામાં આવશે.
રાજ્યમાં કુલ કેટલા મતદાન મથકો ?
રાજ્યમાં કુલ 50,677 મતદાન મથકો પૈકી ગ્રામ્ય વિસ્તારમાં 33,475 મતદાન મથકો છે. જ્યારે શહેરી વિસ્તારોમાં 17,202 મતદાર મથકો આવેલા છે. રાજ્યના કુલ 29,568 મતદાન મથક સ્થળો પૈકી 23,252 મતદાન મથક સ્થળો ગ્રામ્ય વિસ્તારોમાં તથા 6,316 મતદાર મથક સ્થળો શહેરી વિસ્તારોમાં છે. રાજ્યમાં 110 મતદાન મથકો એવા છે.જ્યાં મતદારોની સંખ્યા 1,500થી વધી ગઈ છે. ત્યાં હાલમાં પૂરક મતદાનમથક બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ તમામ મતદાન મથકોની ભૌતિક ચકાસણી કરવામાં આવી છે. અને તમામ મતદાન મથકો ભોંયતળિયે આવેલા છે.
મતદાન મથકને લઇ આ વખતે કંઇક નવું
લોકસભાની સામાન્ય ચૂંટણી દરમ્યાન મતદારોને શ્રેષ્ઠ સુવિધાઓ અને સુગમ ચૂંટણી પ્રક્રિયાનો અનુભવ પૂરો પાડવાના હેતુથી દરેક વિધાનસભા મતવિસ્તારમાં ઓછામાં ઓછા એક મતદાનમથકને ‘આદર્શ મતદાન મથક’ તરીકે સ્થાપિત કરવામાં આવશે.રાજ્યમાં 182 જેટલાં આદર્શ મતદાન મથક ઉભા કરવામાં આવશે. આ મતદાન મથકોને યોગ્ય રીતે સુશોભિત કરવામાં આવશે. મતદારોને મતદાન મથકનો સુખદ અનુભવ પ્રાપ્ત થાય તે હેતુથી અમુક મતદાન મથકોમાં વિશિષ્ટ સજાવટ કરવા, મતદાન મથકે સેલ્ફી બુથની વ્યવસ્થા કરવા, મતદાર સહાયક પૂરા પાડવા અને પાર્કિંગ તથા બેઠક વ્યવસ્થા સહિતની સુવિધાઓ પૂરી પાડવા તમામ જિલ્લાના ચૂંટણી અધિકારીઓને જણાવવામાં આવ્યું છે.
આ વખતેની ચૂંટણીમાં મહિલાઓ તથા દિવ્યાંગો માટે પણ કંઇક વિશેષ?
ચૂંટણી પ્રક્રિયામાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવા ગુજરાતમાં દરેક વિધાનસભા મતવિસ્તાર દીઠ ઓછામાં ઓછા 07 મતદાન મથકોની મહિલા સંચાલિત  એટલે કે ‘સખી મતદાન મથક’ તરીકે રચના કરવામાં આવશે.ગુજરાતમાં આવા 1,274 સખી મતદાન મથકોમાં પ્રિસાઈડીંગ ઓફિસર, પોલીંગ ઓફિસર વગેરે તરીકે માત્ર મહિલા અધિકારીઓ ફરજ બજાવશે. તો આ તરફ ગુજરાત વિધાનસભા મતદાર વિભાગ દીઠ એક દિવ્યાંગ કર્મચારીઓ સંચાલિત મતદાન મથક બનાવવામાં આવશે.દિવ્યાંગ કર્મચારીઓ સંચાલિત 182 મતદાન મથકો બનાવવામાં આવશે.
ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવતા યુવાનો માટે પણ અલગ બુથ
યુવા મતદારો પણ ચૂંટણી સંચાલનમાં ઉત્સાહપૂર્વક ભાગ લે અને લોકશાહીમાં યુવા મતદારોની વધુમાં વધુ ભાગીદારી થાય તે હેતુથી ગુજરાતમાં દરેક જિલ્લા દીઠ એક મતદાન મથક એવું હશે જે મતદાન મથકનો તમામ સ્ટાફ યુવા હોય. આ ઉપરાંત ‘No Voter to be left behind’ ના સંકલ્પ સુત્રને ચરિતાર્થ કરતાં રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા રાજ્યના કેટલાક એવા દુર્ગમ સ્થળોએ પણ મતદાન મથક તૈયાર કરવામાં આવે છે. જેનાથી તે વિસ્તારના મતદારોને મતદાનમાં સુગમતા રહે.
આ વખતે હોમ વોટીંગની પણ સુવિધા, કોના માટે ?
ગત વિધાનસભા ચૂંટણીમાં 80 વર્ષથી વધુ વય ધરાવતા વરિષ્ઠ મતદારો તેમના નિવાસસ્થાને મતદાન કરી શકે તેવી જોગવાઈ હતી. ચૂંટણી પંચે આ જોગવાઈમાં સુધારો કરી 80+ વર્ષની ઉંમરને બદલે 85+ વર્ષ કરી છે.ભારતના ચૂંટણી પંચ દ્વારા 85 વર્ષથી વધુ વય ધરાવતાં વરિષ્ઠ નાગરિકો તથા 40 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનોને પોસ્ટલ બેલેટ દ્વારા ઘરેથી મતદાનની સુવિધા આપવાની જોગવાઈ કરવામાં આવી છે.