December 23, 2024

રાજૌરીમાં સેનાનું જોઇન્ટ ઓપરેશન, સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ,

Jammu Kashmir: જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં મંગળવારે 03 ઓગસ્ટના રોજ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે જોરદાર એન્કાઉન્ટર શરૂ થયું છે. ગુપ્ત માહિતીના આધારે, સુરક્ષા દળોએ રાજૌરીના થાનામંડીમાં કેટલાક આતંકવાદીઓને ઘેરી લીધા હતા. સુરક્ષા દળોએ આતંકીઓ વિરુદ્ધ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને સામસામે અંધાધૂન ગોળીબાર થઈ રહ્યો છે.

અધિકારીઓએ જણાવ્યું કે મંગળવારે સાંજે રાજૌરી જિલ્લાના થાનામંડી વિસ્તારમાં કેટલાક અજાણ્યા આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીર પોલીસની ટીમ પર ગોળીબાર કર્યો હતો. હુમલાખોરોને પકડવા માટે પોલીસ અને ભારતીય સેનાએ વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે અને વિસ્તારમાં સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વધારાના દળો તૈનાત કરવામાં આવ્યા છે.

સુરક્ષા દળોને જોતા જ આતંકીઓએ કર્યું ફાયરિંગ
પ્રાથમિક માહિતી મુજબ, મંગળવારે સાંજે લગભગ 7.30 વાગ્યાની આસપાસ પોલીસ અને રાષ્ટ્રીય રાઈફલ્સના જવાનો શંકાસ્પદ ગતિવિધિઓની માહિતી મળ્યા બાદ થાનામંડીના લોઅર કેર્યોટ ગામ પહોંચ્યા, ત્યારે બંને બાજુથી ગોળીબાર શરૂ કરી દેવામાં આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે સર્ચ પાર્ટીઓને જોઈને આતંકીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો અને બાદમાં સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીથી બચવા માટે આતંકીઓ અંધારાનો લાભ લઈને પલાયન થઈ ગયા હતા.

થોડા દિવસ પહેલા ઠાર મરાયા હતા ત્રણ આતંકીઓ
આ હુમલો એવા સમયે થયો છે જ્યારે થોડા દિવસ પહેલા જ જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીના બે પ્રયાસોને નિષ્ફળ બનાવીને સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા.

આ પણ વાંચો: બ્રુનેઈમાં PM મોદીએ ઐતિહાસિક સુલતાન ઉમર અલી સૈફુદ્દીન મસ્જિદની કરી મુલાકાત

શ્રીનગર સ્થિત ચિનાર કોરે ગત સપ્તાહે X હેન્ડલ પર જણાવ્યું હતું કે, “તંગધાર અભિયાન દરમિયાન એક આતંકીના ઠાર મરાયાની પુષ્ટિ થઈ છે. કુપવાડાના માછલ વિસ્તારમાં ચાલી રહેલા ઘૂસણખોરી વિરોધી ઓપરેશનમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે, જેની સાથે બે એકે રાઈફલ, એક પિસ્તોલ, ચાર હેન્ડ ગ્રેનેડ અને અન્ય દારૂગોળો મળી આવ્યો છે.”