May 4, 2024

બિહારમાં NDA સીટ વહેંચણીની જાહેરાત, કાકા પશુપતિનું પત્તું કપાયું!

NDA Seat Sharing Formula: બિહારમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)માં સીટો પર સર્વસંમતિ સધાઈ ગઈ છે. BJP, JDU, LJP (R), HAM અને રાષ્ટ્રીય લોક મોરચાએ સોમવારે (18 માર્ચ) તેની સત્તાવાર જાહેરાત કરી હતી. સમજૂતી મુજબ બિહારની કુલ 40 લોકસભા સીટોમાંથી ભાજપ 17 સીટો પર ચૂંટણી લડશે. નીતિશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઈટેડ (JDU) 16 બેઠકો પર ચૂંટણી લડશે. ચિરાગ પાસવાનની પાર્ટી એલજેપી (આર) 5 સીટો પર ચૂંટણી લડશે, જ્યારે જીતન રામ માંઝીની પાર્ટી એક સીટ પર ચૂંટણી લડશે. એક સીટ ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી રાષ્ટ્રીય લોક મોરચાને આપવામાં આવી છે.

ભાજપ આ 17 બેઠકો પર ચૂંટણી લડશે
પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, ઔરંગાબાદ, મધુબની, અરરિયા, દરભંગા, મુઝફ્ફરપુર, મહારાજગંજ, સારણ, ઉજિયારપુર, બેગુસરાઈ, નવાદા, પટના સાહિબ, પાટલીપુત્ર, આરા, બક્સર અને સાસારામ બેઠકો પર ભાજપ ચૂંટણી લડશે.

જેડીયુ આ બેઠકો પર ચૂંટણી લડશે
વાલ્મિકી નગર, સીતામઢી, ઝાંઝરપુર, સુપૌલ, કિશનગંજ, કટિહાર, પૂર્ણિયા, મધેપુરા, ગોપાલગંજ, સિવાન, ભાગલપુર, બાંકા, મુંગેર, નાલંદા, જહાનાબાદ અને શિવહર બેઠક પર જેડીયુ ચૂંટણી લડશે. ચિરાગ પાસવાનની પાર્ટીને વૈશાલી, હાજીપુર, સમસ્તીપુર, ખગરિયા અને જમુઈ સીટ આપવામાં આવી છે અને જીતન રામ માંઝીની પાર્ટી HAM ગયા સીટ પરથી ચૂંટણી લડશે. જ્યારે કારાકાટ સીટ ઉપેન્દ્ર કુશવાહાને આપવામાં આવી છે.

પશુપતિ પારસને ઝટકો
આ સીટ વહેંચણીને ચિરાગ પાસવાનના કાકા અને કેન્દ્રીય મંત્રી પશુપતિ પારસ માટે આંચકો માનવામાં આવી રહ્યો છે. તેમને એક પણ સીટ મળી નથી. જ્યારે બિહાર બીજેપી અધ્યક્ષ અને ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીને આ અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે બિહારમાં એનડીએ પૂરી તાકાત સાથે લડશે અને અમે તમામ 40 સીટો જીતીશું. NDA 5 પક્ષોના સંપૂર્ણ ગઠબંધન સાથે બિહારની ચૂંટણીમાં ઝંપલાવશે, બીજી બાજુ પશુપતિ કુમાર પારસ સાથે વાતચીત ચાલી રહી છે.

રસપ્રદ વાત એ છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં નવાદા સીટ એલજેપી પાસે હતી. આ વખતે આ સીટ ભાજપના ખાતામાં ગઈ છે. ગત વખતે શિવહર બેઠક પર ભાજપના રમા દેવીએ જીત મેળવી હતી, જોકે, હવે આ સીટ જેડીયુના ખાતામાં ગઈ છે. જેડીયુના મહાબલી સિંહ કારાકાટ બેઠક જીત્યા હતા, પરંતુ આ સીટ ઉપેન્દ્ર કુશવાહાના ખાતામાં ગઈ છે. ગયા બેઠક જેડીયુમાંથી જીતન રામ માંઝીની પાર્ટીને ગઈ હતી અને હાલમાં જેડીયુના વિજય કુમાર માંઝી ગયા સીટથી સાંસદ છે. સીટોની જાહેરાત કરતી વખતે જેડીયુ સાંસદ સંજય ઝાએ કહ્યું કે બિહારમાં એકતરફી લહેર છે. વિપક્ષમાં હજુ કોઈ તૈયારી નથી. અમારી તમામ તૈયારીઓ થઈ ગઈ છે. અમે સાથે મળીને 40માંથી 40 સીટો જીતીશું.

2019નું સમીકરણ
2019ની લોકસભા ચૂંટણીમાં NDAએ કુલ 40માંથી 39 બેઠકો જીતી હતી. ભાજપ અને જેડીયુએ 17-17 બેઠકો પર ચૂંટણી લડી હતી. જ્યારે LJPએ 6 બેઠકો પર ચૂંટણી લડી હતી.