સુરતમાં આંગણવાડી બહેનોનું વિરોધ પ્રદર્શન, જિલ્લા કલેકટરને આપ્યું આવેદન
અમિત રૂપાપરા, સુરત: ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તેમજ ગુજરાત આશા વર્કર યુનિયન દ્વારા પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ બંને યુનિયન દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને સંબોધીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ વિરોધમાં ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી અને અઠવાલાઇન્સથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજવામાં આવી હતી.
સુરતમાં ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તેમજ ગુજરાત આશા વર્કર યુનિયન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં આંગણવાડી કર્મચારી દ્વારા અલગ અલગ સાત માગણી સાથે આવેદનપત્ર આપીને માગણી પૂરી કરવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી. આંગણવાડી કર્મચારી દ્વારા સાત અલગ અલગ માંગણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય માગણી પગાર વધારાની કરાઈ છે. આ ઉપરાંત સારી ક્વોલિટીના નવા મોબાઈલ આંગણવાડી મહિલાઓને આપવામાં આવે, વર્કરમાંથી સુપરવાઇઝરમાં પ્રમોશનની વય મર્યાદા 45 વર્ષની છે તે દૂર કરવામાં આવે, નિવૃત્તિની વહી મર્યાદા 60 વર્ષની કરવામાં આવે, વર્કરના વેતનના 75% હેલ્પરને વેતન આપવામાં આવે, આ ઉપરાંત વધારાની કામગીરી તેમને સોંપવામાં ન આવે, આંગણવાડી વર્કરોને ઇએસઆઇ તેમજ પેન્શન યોજનાનો લાભ આપવામાં આવે અને વર્કરોને પગારી રજા તેમજ માંદગીની રજામાં વધારો કરવામાં આવે.
તો બીજી તરફ આશા વર્કર દ્વારા અલગ અલગ 20 જેટલી માગણીઓ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં 2005થી સેવા બજાવતા કર્મચારીને કાયમી કરી ફિક્સ પગાર આપવામાં આવે, ઉપરાંત મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, પંજાબ, મધ્યપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ સહિતના રાજ્યોમાં જે ફિક્સ વેતન અને ઇન્સેન્ટીવ ચૂકવવામાં આવે છે તે પ્રકારે વેતન ચૂકવવામાં આવે, દર મહિનાની 1થી 10 તારીખ સુધીમાં વેતનની ચુકવણી કરવામાં આવે, બાકી રહેલ તમામ ચૂકવણા તાત્કાલિક પૂરા કરવામાં આવે, આશા વર્કરને દર વર્ષે બે જોડી ડ્રેસ આપવાનું 2019માં તેમજ 2022માં નક્કી કરાયુ હતું પરંતુ ડ્રેસ આપવામાં આવ્યો નથી, તો તાત્કાલિક પાસેથી ડ્રેસ આપવામાં આવે અને ડ્રેસની સિલાઈના 1000 રૂપિયા ચૂકવવામાં આવે, નિવૃત્તિ સમયે પેન્શન અને ગ્રેચ્યુંઇટીનો લાભ આપવામાં આવે, આશા વર્કર બહેનોને વર્ષે 30 રજાની જોગવાઈ કરવામાં આવે, વર્ષે એક ટાઇમ બોનસ પેટે 10 હજાર આપવામાં આવે એવી અલગ અલગ 20 જેટલી માગણીઓ સાથેનું આવેદનપત્ર જિલ્લા કલેકટરને આપવામાં આવ્યું હતું.
1000 જેટલી મહિલાઓએ એકઠા થઈને આ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને રજૂઆત કરી હતી કે જો આ માગણીનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં ચોક્કસ મુદતની હડતાલ કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.