May 1, 2024

રાજીનામું આપ્યા બાદ અલ્પેશ કથીરિયાનું નિવેદન – ભાજપમાં જવાની વાત નથી

Alpesh kathiriya said i will not join bjp

સુરતઃ રાજીનામું આપ્યા બાદ અલ્પેશ કથીરિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યુ છે કે, ‘આમ આદમી પાર્ટીમાં અમે વિધાનસભાના ઇલેક્શન બાદ નિષ્ક્રિય હતા. ત્યારે અમારા સ્થાન પર બીજા કાર્યકર્તા કામ કરી શકે એટલા માટે રાજીનામું આપી રહ્યો છું. ભાજપમાં જવાની કોઈ વાત નથી. આગામી દિવસોમાં સમાજના વડીલો અને આગેવાનોને મળીને નવો નિર્ણય કરવામાં આવશે.’

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. આમ આદમી પાર્ટીમાંથી અલ્પેશ કથીરિયાએ રાજીનામું આપ્યું છે. આ ઉપરાંત અન્ય એક નેતા ધાર્મિક માલવિયાએ પણ રાજીનામું આપી દીધું છે. બંને નેતાઓએ પ્રદેશ પ્રમુખ ઇશુદાન ગઢવીને રાજીનામું મોકલ્યું છે. અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ ઇસુદાન ગઢવીને રાજીનામું મોકલ્યું છે. તેમાં લખ્યું છે કે, ‘આમ આદમી પાર્ટીની તમામ જવાબદારીમાંથી મુક્ત થઈએ છીએ. પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી પણ તાત્કાલિક અસરથી રાજીનામું આપીએ છીએ. રાજીનામું સ્વીકારવા વિનંતી.’

આ પણ વાંચોઃ AAPમાંથી અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાનું રાજીનામું

બંનેનું એકસાથે રાજીનામું ટોક ઓફ ધ ટાઉન
પાટીદાર અનામત સંઘર્ષ સમિતિમાં હાર્દિક પટેલ સાથે સૌથી મોટા ચહેરા તરીકે અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હતા. હાર્દિકના ગયા બાદ પાટીદાર આંદોલનને તેઓ સંભાળી રહ્યા હતા. ત્યારબાદ તેમણે આમ આદમી પાર્ટી જોઇન કરી બંને ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા હતા. પરંતુ એકાએક જ તેમણે રાજીનામું આપી દેતા અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.

આંદોલનકારીમાંથી બન્યા રાજકીય નેતા
અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ એકસાથે વિધાનસભામાં આપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. અલ્પેશ કથીરિયા વરાછા વિધાનસભામાં કુમાર કાનાણી સામે આપના ઉમેદવાર હતા અને ધાર્મિક માલવિયા ઓલપાડ બેઠક પરથી મુકેશ પટેલની સામે ઉમેદવાર હતા. આંદોલનકારીમાંથી તક મળતા રાજકીય નેતા તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી અને તેમણે વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. જો કે, બંનેને કારમી હાર મળી હતી.