January 23, 2025

અમદાવાદમાં ડ્રગ્સ વેચાણના નેટવર્કનો પર્દાફાશ, પેડલરની ધરપકડ

મિહિર સોની, અમદાવાદઃ શહેરમાં ફરી એક વખત ડ્રગ્સના વેચાણનું નેટવર્ક પકડાયું છે. દારૂના અડ્ડાની આડમાં ડ્રગ્સનું વેચાણ થતું હતું. વાસણા પોલીસે એક આરોપીની ધરપકડ કરીને 2.23 લાખના ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે.

પોલીસે આ મામલે આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે ધમા ઠાકોરની ધરપકડ છે. 22 વર્ષના આ આરોપીએ પ્રેમ લગ્ન બાદ ડ્રગ્સ પેડલર બન્યો છે. આ સમગ્ર ડ્રગ્સ વેચાણ નેટવર્કની વાત કરીએ તો આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે ધમો ઠાકોર વાસણાના નારાયણ નગર રોડ પર ડ્રગ્સના જથ્થાનું વેચાણ કરી રહ્યો હોવાની બાતમીના આધારે વાસણા પોલીસે રેડ કરતા એક્ટિવા પર આરોપી ડ્રગ્સની નાની પડીકીઓ બનાવી વેચાણ કરી રહ્યો હતો. પોલીસે 22.350 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. તપાસમાં છેલ્લા ત્રણ માસથી ડ્રગ્સનું વેચાણ કરતો હોવાનું ખુલ્યું છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે ધમો ઠાકોર વાસણાનો રહેવાસી છે અને થોડા સમય પહેલાં મહિલા બુટલેગરની ભાણી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. પ્રેમ લગ્ન બાદ તે દારૂના ધંધા સાથે સંકળાયેલો હતો. આ દરમિયાન જુહાપુરામાં રહેતા ઉસામા શાહિદ અહેમદ ઉર્ફે ભુરાના સંપર્કમાં આવ્યો હતો. જે ઉસામા નામનો વોન્ટેડ આરોપી ડ્રગ્સ પેડલર હતો. જેણે ધમેન્દ્ર ઠાકોરને ડ્રગ્સના વેચાણ માટે એમડી ડ્રગ્સ આપ્યું હતું. આરોપી ધમેન્દ્ર સાસરીમાં દારૂના અડ્ડાની આડમાં ડ્રગ્સની નાની નાની પડીકીનું વેચાણ કરતો હોવાનું સામે આવ્યું છે. આ ડ્રગ્સની પડીકી 2000થી 2500માં વેચાણ કરતો હતો. ડ્રગ્સનો નશો કરનારા આરોપી ધમેન્દ્રને ફોન કરીને મંગાવતા હતા. ત્યારબાદ આરોપી ધમેન્દ્ર એક્ટિવા પર ડ્રગ્સની પડીકી આપવા જતો હતો. આ રીતે છેલ્લા 3 માસથી એમડીના ડ્રગ્સનું વેચાણ કરી રહ્યો હતો.

વાસણા પોલીસે ડ્રગ્સ કેસમાં ધમેન્દ્ર ઠાકોરની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા છે અને ડ્રગ્સને સપ્લાય કરનારા મુખ્ય વોન્ટેડ આરોપી ઉસામા શાહિદની શોધખોળ શરૂ કરી છે. આ ડ્રગ્સ પેડલર વાસણા અને જુહાપુરા સિવાય અન્ય ક્યાં-ક્યાં ડ્રગ્સ સપ્લાય કરતા હતા તે દિશા પોલીસે તપાસ શરૂ કરી છે.