નકલી નિમણૂંક પત્રો બનાવનારા ચાર આરોપીની ધરપકડ, 3 કરોડથી વધુની રકમ પડાવી
મિહિર સોલંકી, અમદાવાદઃ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગુજરાત જાહેર સેવા આયોગની સરકારી નોકરીના બનાવટી નિમણૂંક પત્રો બનાવનારા આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્યમાં ગુજરાત જાહેર સેવા આયોગની કલાસ-1ના અધિકારીની સરકારી નોકરી અપાવવાની લાલચ આપી ફરીયાદી તેમજ તેના મિત્રો પાસેથી ટુકડે ટુકડે રોકડા પડાવતા હતા.
મળતી માહિતી પ્રમાણે, 10 ડિસેમ્બર, 2022થી આજદિન સુધીના સમયગાળા દરમિયાન આરોપીઓ અને તેમના મળતીયા માણસોએ ભેગા મળી ગુનાહિત કાવતરૂં રચી એકસંપ થઈ ગુજરાત રાજ્યમાં ગુજરાત જાહેર સેવા આયોગની અધિકારીની સરકારી નોકરી અપાવવાની લાલચ આપી ફરીયાદી તેમજ તેના મિત્રો પાસેથી ટુકડે ટુકડે રોકડા તથા RTGS દ્વારા 3.44 કરોડ રૂપિયાની કુલ રકમ મેળવી હતી. ત્યારે ખોટા બનાવટી ગુજરાત જાહેર સેવા આયોગના નોકરીના નિમણૂંક પત્રો આપી સરકારી અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી હતી.
આ આરોપીઓ વિશે ક્રાઇમ બ્રાન્ચને જાણ થતાં ગુનો કરેલા આરોપીને પકડી લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ સમગ્ર મુદ્દે આરોપીઓ વિરૂદ્ધ દાખલ થયેલા ગુનાની વિગત ક્રાઇમ બ્રાન્ચ પાસે આવી હતી. આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચાર આરોપીઓને પકડવામાં આવ્યા હતા. જેમાંથી પહેલો આરોપી જલદીપ ભરતભાઈ ગોપાલભાઈ ટેલરનો વ્યવસાય કરતો હતો હતો અને અમદાવાદના ઇસનપુર ખાતે રહેતો હતો. બીજો આરોપી જીતેન્દ્રકુમાર ગાંડાલાલ ખોડીદાસ પ્રજાપતિ વકીલાત કરતો અને નવા વાડજ ખાતે રહેતો હતો. ત્રીજો આરોપી અંકીત ત્રિભોવનભાઈ દેવાભાઈ પંડ્યા, અમદાવાદનાં નરોડા ખાતે રહેતો હતો અને ચોથો આરોપી હિતેશ મહેશભાઈ અર્જુનભાઈ સેન બાપુનગર અમદાવાદનો રહેવાસી છે.
આરોપીઓ દ્વારા ખોટા નિમણૂંક પત્રોની વિગતમાં ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ના ડેપ્યુટી કલેક્ટરની વિગતવાર નિમણૂંકની મહેસૂલ કચેરી, અમદાવાદ ખાતે ફાળવણીનો પત્ર તથા તેની સિવાય ગુજરાત જાહેર સેવા આયોગનો ફરીયાદીને નિયામક (શહેરી વિકાસ અને શહેરી ગ્રુહ નિર્માણ વિભાગ)ની પસંદગી પામેલો લાયક ઉમેદવારોની વિગતવારની નિમણુક માટે ફાળવણી કરવા બાબતનો પત્ર આપવામાં આવ્યો હતો. આ સિવાય બીજા ઘણા પત્રો આપવામાં આવ્યા હતા. કબ્જે કરેલા મુદ્દામાલમાં જીપીએસસી લખાણનો સ્ટેમ્પ, આવક-જાવક નંબર, તારીખ, સહી સાથેના બે સ્ટેમ્પ , ઓકે દર્શાવતો સ્ટેમ્પ અમદાવાદ ગાંધીનગર વડોદરા મહેસાણા લખેલા સ્ટેમ્પ, અલગ અલગ કંપનીના સાત મોબાઇલ ફોન, એપલ કંપનીનું એક મેકબૂક તથા બે ફોરવ્હીલ મળી આવી હતી.
આ સિવાય સબ ઇન્સ્પેક્ટરના પદ મુજબ પસંદગી થવા બાબત લખાણ લખેલો પત્ર, આસિસ્ટન્ટ સિનિયર કલાર્કના પદ પર પસંદગી થવા બાબત લખાણ લખેલો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેમ્પવાળા પત્રો, અમદાવાદ મહાનગરપાલિકાના લખાણ તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેમ્પવાળા સ્પીડ પોસ્ટના 13 કવર જેમાં સફેદ કલરના 10 તથા ખાખી કલરના 3 મળી આવ્યા હતા.