અમદાવાદ: નરોડામાં સાસરીયાઓના ત્રાસથી પરિણીત મહિલાએ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું
મિહિર સોની,અમદાવાદ: શહેરના નરોડા વિસ્તારમાં ત્રીજા માળેથી પુત્ર સાથે ઝંપલાવીને માતાએ આત્મહત્યા કરી છે. નરોડા વિસ્તારમાં આવેલા હંસપુરાની સારથી રેસિડન્સીમાં પારિવારિક તકરારથી કંટાળી મહિલાએ પોતાના સાત વર્ષના પુત્ર સાથે મોત વહાલું કર્યું હતું. 33 વર્ષની વિરાજ વાણિયા નામની મહિલાએ પોતાના 7 વર્ષના રિધમ સાથે આપઘાત કરી લીધો. પહેલા પોતાના પુત્રને ત્રીજા માળથી નીચે ફેંકી દીધો અને તેની પાછળ જ પોતે પણ મોતની છલાંગ લગાવી હતી. જે અંગે નરોડા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે, બીજી તરફ મૃતક મહિલાના ભાઈએ આક્ષેપ કર્યો છે કે, પાછલા પાંચ વર્ષથી તેની બહેન સાથે પતિ અને સાસુ – સસરા માનસિક ત્રાસ આપતા હતા. ઉપરાંત મૃતક બાળકને બોલવામાં તકલીફ હોવાના કારણે પણ સાસરિયા પક્ષે વાંધો હતો. જેથી મહિલા કંટાળી ગયા હતા. જેથી મોત વહાલું કર્યુ છે.
મૃતક વિરાજના લગ્ન 10 વર્ષ પહેલાં મિતેશ વાણીયા સાથે થયા હતા જે હિંમતનગર ખાતે પોલીસ વિભાગમાં ડોગ સ્કવોડમાં ફરજ બજાવે છે. લગ્ન થયાના શરૂઆતના સમયમાં સાસરીયા પક્ષે સારું રાખ્યું બાદમાં તેની સાથે સારો વ્યવહાર ન કરતા હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. મૃતક મહિલાનો પતિ હિંમતનગર હેડ ક્વાર્ટર માં ડોગ સ્કવોડમાં પોલીસ કર્મી તરીકે ફરજ બજાવે છે. તો બીજી તરફ છેલ્લા કેટલાક સમયથી મૃતકનો પતિ મિતેશ સસરા ધનજીભાઈ અને સાસુ સવિતાબેન અવારનવાર મહિલાને પજવણી કરતા હતા. આ ઉપરાંત રક્ષાબંધન મનાવવા માટે જીદ કરતા મૃતકને માર પણ મારવામાં આવ્યો હતો. જેના ફોટા પણ પોલીસને રજૂ કર્યા છે. જેથી પોલીસે પતિ સાસુ સસરા વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. નરોડા પોલીસે પરણિતાની આત્મહત્યા મામલે તેના સાસરીયા અને પતિ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. જેમાં મહિલાની મોતનું યોગ્ય કારણ સામે આવશે. સાત વર્ષના બાળકનું મોત તેની માતાએ નિપજાવ્યું હોવાથી, પોલીસ કાયદાની રુહે વધુ કાર્યવાહી કરશે.