November 15, 2024

રતન ટાટા બાદ નોએલ ટાટા બન્યા ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન

Noel Tata New Chairman of Tata Trust: નોએલ ટાટાને ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બુધવારે રતન ટાટાના નિધન બાદ આજે મુંબઈમાં એક બેઠક યોજાઈ હતી, જેમાં રતન ટાટાના સાવકા ભાઈ નોએલ ટાટાને ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન બનાવવામાં આવ્યા છે. બેઠકમાં સર્વસંમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંતર્ગત નોએલને ટાટા ગ્રુપની બે સૌથી મહત્વપૂર્ણ ચેરિટેબલ સંસ્થાઓ સર રતન ટાટા ટ્રસ્ટ અને સર દોરાબજી ટાટા ટ્રસ્ટના પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા છે. અગાઉ તેઓ આ સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે સંકળાયેલા હતા. હવે તેમને ટાટા ટ્રસ્ટના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ટાટા ટ્રસ્ટની રચનામાં રતન ટાટાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સમાં ટાટા ટ્રસ્ટનો મોટો હિસ્સો છે. આમાં હિસ્સો લગભગ 66 ટકા છે. ટાટા ગ્રુપ ટાટા ટ્રસ્ટ હેઠળ કામ કરે છે. આ ટ્રસ્ટ પરોપકારી પહેલ અને શાસનની દેખરેખ રાખવા માટે કામ કરે છે.

11માં અને 6ઠ્ઠા ચેરમેન બન્યા નોએલ
સસેક્સ યુનિવર્સિટી, યુકે અને INSEAD ખાતે ઇન્ટરનેશનલ એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ (IEP)થી નોએલ ટાટાએ અભ્યાસ કર્યો છે. નોએલ પોતાની વ્યૂહાત્મક કુશળતા અને જૂથના વિઝન પ્રત્યે પ્રતિબદ્ધતા માટે જાણીતા છે. નોએલ ટાટા સર દોરાબજી ટાટા ટ્રસ્ટના 11મા અધ્યક્ષ અને સર રતન ટાટા ટ્રસ્ટના 6ઠ્ઠા ચેરમેન તરીકે ચૂંટાયા છે.

ટાટા ગ્રુપમાં ભજવે છે આ મહત્વની જવાબદારીઓ
રતન ટાટાના સાવકા ભાઈ નોએલ ટાટાને ટાટા ટ્રસ્ટની નવી જવાબદારી સોંપવામાં આવી છે. નોએલ પણ ટાટા ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે સામેલ હતા. તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી ટાટા ઈન્ટરનેશનલ લિમિટેડના ચેરમેન પણ છે. ટાટા ગ્રુપ સાથે તેમનો ચાર દાયકાનો લાંબો ઈતિહાસ છે. તેઓ ટ્રેન્ટ, વોલ્ટાસ અને ટાટા ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન જેવી કંપનીઓના ચેરમેન પણ છે. એટલું જ નહીં, તેઓ ટાટા સ્ટીલ અને ટાઇટન કંપની લિમિટેડના વાઇસ ચેરમેન તરીકે પણ સેવા આપે છે. આ ઉપરાંત, તેઓ ટાટા ઇકોસિસ્ટમ સાથે પણ ઊંડા સંબંધો ધરાવે છે.

50 કરોડ ડોલરથી 3 અબજ ડોલરની કંપની બનાવી
ટાટા ઈન્ટરનેશનલ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે 2010 અને 2021 દરમિયાન કંપનીની આવક 500 મિલિયન ડોલર એટલે કે 50 કરોડથી વધારીને 3 બિલિયન ડોલર એટલે કે 3 અબજ ડોલરથી વધુ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. ટ્રેન્ટ લિમિટેડ કંપની પાસે વર્ષ 1998માં માત્ર એક જ રિટેલ સ્ટોર હતો, જે આજે તેમના નેતૃત્વ હેઠળ સમગ્ર ભારતમાં 700 થી વધુ સ્ટોર્સ સાથે મજબૂત નેટવર્કમાં પરિવર્તિત થઈ ગયું છે.